સત્યનો સામનો કરવાનો પંડિત, પરમાર અને સદાદિયાને ડર: હલકી કક્ષાની ચાલબાજીમાં જ વ્યસ્ત
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેના સાથી દિપક સાગઠિયા દ્વારા યુનિફોર્મ, રમતગમતના સાધનોથી લઈ સ્કૂલ સ્ટેશનરી, કાયમી શિક્ષકોની બદલી અને પ્રવાસી શિક્ષકોની ભરતીમાં કરવામાં આવેલી ગોલમાલ, ગોટાળા, ગરબડ તેમજ સરકારી નાણાંના દુરુપયોગ સંદર્ભે ખાસ-ખબર દ્વારા છેલ્લા કેટલાંક મહિનાઓથી જબરદસ્ત મુહિમ ચલાવવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિના કૌભાંડો એક પછી એક છાપરે ચઢી પોકારી રહ્યા છે. આ દિશામાં વધુ પુરાવાઓ એકત્ર કરવામાં આજથી એક મહિના પૂર્વે કેટલીક આરટીઆઈ પણ કરવામાં આવી હતી જેમાંની મહત્તમ આરટીઆઈની માહિતી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો આપવામાં અસમર્થ સાબિત થયા છે. અનુસંધાન પાના નં. 6 પર
- Advertisement -
ભાજપની સમિતિનાં અસંતુષ્ટ સભ્યોને સૂચના : જે ચાલે છે તે ચાલવા દો, ભવિષ્યમાં વિચારીશું!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેટલાંક સભ્યો ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર તથા શિક્ષક સંઘના દિનેશ સદાદિયાની ભ્રષ્ટ કામગીરીથી અસંતુષ્ટ છે. શિક્ષણ સમિતિમાં સૌ કોઈ પંડિત, પરમાર અને સદાદિયા પ્રત્યે ભારે અણગમો દર્શાવી તેમનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિના સભ્યોએ ચેરમેન-શાસનાધિકારીના કૌભાંડો અંગે ભાજપ મોવડીમંડળનું ધ્યાન દોર્યું છે ત્યારે તેમને ભાજપના શિર્ષ નેતૃત્વ તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે, હાલ જે ચાલે તે ચાલવા દો. અત્યારે ચૂંટણીના સમયગાળામાં પગલાં લેશું તો ભ્રષ્ટાચાર થયાનું સાબિત થશે તેથી આ અંગે ભવિષ્યમાં વિચારીશું. જોકે આવનારા સમયમાં વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડો વિપક્ષ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો બનવાના છે તેમાં કોઈ બેમત નથી.
શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારીઓને કોઈ કાળે છોડવામાં નહીં આવે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચોરી પર સીનાચોરી કરનારા ભ્રષ્ટાચારીઓને ખાસ-ખબર દ્વારા કોઈ કાળ કે સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ખાસ-ખબર દ્વારા આ અંગે જરૂરી પુરાવાઓ પણ એકત્ર કરાયા છે અને વિવિધ આરટીઆઈ પણ કરાઈ છે. મોટાભાગની આરટીઆઈમાં માંગવામાં આવેલી માહિતી આપવામાં શિક્ષણ સમિતિના જવાબદાર અધિકારી-સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. એક મહિના થઈ ગયા બાદ હવે આ આરટીઆઈ સંદર્ભે કાનૂની રાહે અપીલમાં જવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ખાસ-ખબર પોતાના સૂત્ર મુજબ કોઈ કસર છોડ્યા વિના આગામી સમયમાં શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારને બહાર લાવીને ભ્રષ્ટાચારીઓને સજા અપાવીને જંપશે.
17મી તારીખને બદલે આજે જ બોર્ડ બોલાવી લીધું અને સભ્યોને જવાબ ન દેવો પડે એ માટે રજા પર ઉતરી ગયા શાસનાધિકારી
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી વિવિધ આરટીઆઈ સંદર્ભે ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારની સ્થિતિ સાંપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે ગેરવહીવટ કર્યો છે એ જગજાહેર બાબત છે. તેથી તેઓ મીડિયામાં પોતે નિર્દોષ છે તેવું સાબિત કરી શકતા નથી. બીજી તરફ હવે જો શિક્ષણ સમિતિમાં વિવિધ મુદ્દાઓ પર થયેલી આરટીઆઈની માહિતી આપે તો તેમનો ગેરવહીવટ છતો થઈ શકે તેમ છે. આથી જ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી કેટલીક આરટીઓની માહિતી આપવામાં પંડિત-પરમાર અસમર્થ સાબિત થઈ રહ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર આરટીઆઈ સહિતના મુદ્દાઓથી ભાગી હાલ દિવાળી સુધીની રજા પર ઉતરી ગયા છે અને તેમણે પોતાનો ચાર્જ તેમના અંગત મનાતા નમ્રતા મહેતાને સોંપી દીધો છે. બીજી તરફ રાજકોટ શિક્ષણ સમિતિમાં જરૂરી નિર્ણયો માટેનું બોર્ડ જે આગામી 17 ઓક્ટોબરના રોજ બોલાવવામાં આવ્યું હતું તે અચાનક જ આજે બોલાવી લેવામાં આવ્યું છે. આજે બોલાવવામાં આવેલા બોર્ડમાં અધ્યક્ષસ્થાનેથી ચેરમેન અતુલ પંડિત પોતાની જ મનમાની ચલાવશે એવું ચર્ચાઈ રહ્યું છે.
RTI ભાજપ-RMCની આબરુનું ધોવાણ કરશે
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ભ્રષ્ટાચારમુક્ત દેશ-પક્ષની વાતો કરી રહ્યા છે પરંતુ ભાજપના જ ચેરમેન અતુલ પંડિત, ભાજપના જ કર્મચારી કિરીટ પરમાર અને ભાજપના જ કાર્યકર દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાની મિલીભગતથી રાજકોટ શિક્ષણ સમિતિમાં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. હવે જ્યારે શિક્ષણ સમિતિમાં થયેલા વિવિધ ભ્રષ્ટાચાર સંદર્ભે કેટલીક આરટીઆઈઓ કરવામાં આવી છે ત્યારે આ તમામેતમામ આરટીઓની માહિતી આજ નહીં તો કાલ જવાબદાર અધિકારીઓને આપવી જ પડશે. પરિણામસ્વરૂપે શિક્ષણ સમિતિમાં ભાજપના ચેરમેન, કર્મચારી, કાર્યકર સહિતઓના ભ્રષ્ટાચાર પુરાવા સાથે ઉઘાડા પડશે અને ભાજપ સાથે શિક્ષણ સમિતિ જેની સાથે જોડાયેલી છે એવા કોર્પોરેશનની આબરુનું પણ ધોવાણ થશે. ભાજપ-કોર્પોરેશન પોતાની બિનભ્રષ્ટાચાર – ભ્રષ્ટાચારમુક્ત છબી જાળવી રાખવી હશે તો શિક્ષણ સમિતિના દૂષણ પંડિત, પરમાર, સદાદિયા, સાગઠિયા વિરુદ્ધ પગલાં ભરવા જ પડશે.
કિરીટ પરમારે ચાર્જ તેની અંગત નમ્રતા મહેતાને સોંપી દીધો
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવિધ માહિતી માંગતી આરટીઓ થયા બાદ શાસનાધિકારી કિરીટ પરમાર એક પણ આરટીઆઈનો જવાબ આપી શક્યા નથી. આરટીઓમાં ઘણી માહિતીઓ એવી માંગવામાં આવી છે જે આપવામાં આવે તો શાસનાધિકારી કિરીટ પરમાર અને ચેરમેન અતુલ પંડિત ફસાઈ શકે છે. તેથી એક મહિના જેટલો સમય થયા બાદ તમામ આરટીઓની માહિતી આપવામાં અસમર્થ સાબિત થયેલા શાસનાધિકારી કિરીટ પરમાર પોતાનો ચાર્જ તેમની અંગત નમ્રતા મહેતાને સોંપી દિવાળી સુધી રજા પર ઉતરી ગયા છે. હવે તેઓ સીધા દિવાળી બાદ જ ચાર્જ સંભાળી શકે છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, સત્રાંત પરીક્ષાઓ ચાલુ હોય ત્યારે શાસનાધિકારી કિરીટ પરમારની રજા મંજૂર કઈ રીતે થઈ શકે? અને તેમની જગ્યાએ તેમના જ કહ્યાગરા નમ્રતા મહેતાને ચાર્જ કઈ રીતે મળી શકે? ઉલ્લેખનીય છે કે, દોષનો ટોપલો એકલા કિરીટ પરમાર પર ન ઢોળાય એટલે નમ્રતા મહેતાને શાસનાધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
પંડિત-પરમાર પાસે નથી RTIમાં માંગવામાં આવેલી માહિતી?
આજથી એક મહિના અગાઉ રાજકોટ શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી વિવિધ આરટીઆઈની માહિતી ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર પાસે નથી એવું નથી. હકીકતમાં તેમની પાસે આરટીઆઈમાં માંગવામાં આવેલી બધી જ માહિતી ઉપલબ્ધ છે આમ છતાં તેઓ આરટીઆઈમાં માંગવામાં આવેલી મોટાભાગની માહિતી એટલા માટે નથી આપી રહ્યા કારણ કે, જો એ માહિતી આપવામાં આવે તો તેમણે કૌભાંડો કર્યા છે એવું સાબિત થઈ જાય. જોકે આગળ જતાં માહિતી અધિકારના નિયમ અનુસાર તેઓ નહીં તો તેમના ઉપરી અધિકારીઓને આજ નહીં તો કાલે અપીલ દરમિયાન તમામ આરટીઆઈની માહિતી આપવી તો પડશે જ એ નક્કી છે. અને આ આઈટીઆઈ ભ્રષ્ટાચારની સ્ફોટક વિગતો બહાર લાવશે એ પણ નક્કી છે.