CCTV ફૂટેજ ચેક કરતા બે આરોપીયો ઘરમાં ઘુસતા દેખાયા હતા, ચારેય રીઢા ઘરફોડિયાને મણિનગર પોલીસે દબોચ્યા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ ચેક કરતા, આ ગુન્હામાં બે આરોપીઓ ઘરમાં પ્રવેશતા અને એક ઓટો રિક્ષામાં જતા નજરે પડ્યા હતા. ઓટો રિક્ષા બાબતે આજુબાજુના કેમેરા તેમજ આવવાના તથા જવાના રૂટ ઉપર આશરે 50 જગ્યાના 150 કેમેરા ચેક કરતા, નારોલ ચોકડી પાસેના કેમેરા ચેક કરી, રિક્ષાનો નંબર મેળવી, પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરતા, આ ઓટો રિક્ષા ના માલિકના નામ સરનામા આધારે તપાસ કરવામાં આવતા, મૂળ માલિક પછી ચાર પાંચ ઓનરનો સંપર્ક કરી, તપાસ કરતા, આ ઓટો રિક્ષા હાલમાં મુસ્તફા મુમતાઝઅલી શેખ વાપરતો હોઈ, તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. જેની પ્રાથમિક પૂછપરછમાં શરૂઆતમાં મુસ્તુફા ગલ્લાંતલ્લા કરવા લાગતા, તેના નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, રિક્ષા ચાલક મુસ્તફા ભૂતકાળમાં વેજલપુર, નારોલ, સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીમાં ગુનાઓમાં પકડાયેલ હોવાની વિગતો ખુલતા, પોલીસની ભાષામાં પૂછવામાં આવતા, આરોપી મુસ્તફા ભાંગી ગયો અને પોતાની આ રિક્ષા આરોપીઓ સમિરખાન, સરફરાઝ અને મોહસીન ત્રણેય જણાએ મળી, મણિનગર ખાતે ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવતા, મણિનગર પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં ઘરફોડ કરતી ગેંગના આરોપીઓ (1) મોહસીન અનવરહુસૈન શેખ (2) સમીરખાન ઉર્ફે કાણા ઈબ્રાહિમખાન પઠાણ (3) સરફરાજ ઉર્ફે દતુ સ/ઓ મુનિર અહેમદ અંસારી (4) મુસ્તુફા ઉર્ફે ભજ્જી સ/ઓ મુમતાજ અલી શેખ ની અમદાવાદ શહેર પોલીસે ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલ ચારેય આરોપીઓ બંધ મકાનને જ ટાર્ગેટ કરી, બંધ મકાનમાં બારી વાટે પ્રવેશ કરી, ઘરફોડ ચોરીનો ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આ ઘરફોડ ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી સમીરખાન ઉર્ફે કાણીયો પઠાણ છે અને પોતાના પગમાં સળિયો નાખેલ હોય, પોતાના સબંધી મિત્રો પાસે રૂપિયાની માંગણી કરતા કોઈએ આપ્યા ના હોય, સહ આરોપીઓને પણ રૂપિયાની જરૂરિયાત હોય, ઘરફોડ ચોરીનો પ્લાન બનાવી, મણિનગર ખાતે નીકળતા, બંધ મકાન હોઈ, ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સમિરખાન ઉર્ફે કાણો ભૂતકાળમાં વેજલપુર, સરખેજ, વાસણા, સહિતના પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના 14 જેટલા ગુનાઓમાં પકડાયેલ અને બે વખત પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચુક્યા છે. જ્યારે આરોપી મુસ્તુફા ઉર્ફે ભજ્જી શેખ પણ વેજલપુર, સરખેજ, નારોલ, સહિતના અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનો ખાતે આઠ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયો છે. આરોપી મોહસીન શેખ કલોલ (ગાંધીનગર જિલ્લા), સરખેજ, દાણીલીમડા, વેજલપુર, મહેમદાવાદ (ખેડા જિલ્લો), સહિતના પોલીસ સ્ટેશનો ખાતે 10 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આંતરજીલ્લા ગુન્હેગાર છે. ઉપરાંત, આરોપી સરફરાઝ ઉર્ફે દત્તુ અન્સારી પણ ખૂનની કોશિશ, લૂંટ અને ઘરફોડ ચોરીના પાંચેક ગુન્હાઓમા પકડાયેલા છે. આમ, પકડાયેલા ચારેય આરોપીઓ રીઢા ઘરફોડિયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.