ઘરે આંગણે જ સારવાર ઉપલબ્ધ: મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ

લોકોને ઘરની બહાર ન નીકળવું પડે તેવા આશય સાથે ઘરે બેઠા સેવા ઉપલબ્ધ કરાવી: મ્યુનિ. કમિશનરશ્રી

કોરોના વાઇરસને નાબુદ કરવા કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા અસંખ્ય સેવાઓ આપવામાં આવે છે. લોકોને કોરોનાથી ગભરાવાની જરૂર નથી, હિમ્મતથી કોરોનાને હરાવાનો છે. સૌ સાથે મળીને રાજકોટ શહેરને કોરોના મુક્ત બનાવી શકીશું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે શ્રેણીબધ્ધ સેવાઓ ચાલુ કરવામાં આવી છે. લોકોને સ્વાસ્થયની બાબતમાં ઘરની બહાર ન નીકળવું પડે તે માટે મનપા દ્વારા ઘર આંગણે જ સ્વાસ્થ્ય લગત સેવાઓ ઉપલબ્ધ કરાવી છે, જેના માટે ૧૩૦ થી વધુ વાહનો દ્વારા પોતાના વિસ્તારમાં અને પોતાને ઘર આંગણે સેવા ઉપલબ્ધ કરાવી છે, અને વધુ સારવારની જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે સારવાર કરાવી શકાય છે, લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું અને અન્ય લોકોના સંપર્કમાં ન આવવું તેમ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ૫૦ ધનવંતરી રથ, ૨૩ સંજીવની રથ, ૧૮ ‘૧૦૪ સેવા’ રથ અને ૩૬ થી વધુ કોવિદ – ૧૯ ટેસ્ટીંગ વ્હીકલ સહીત કુલ ૧૩૦ થી વધુ વાહનો કાર્યરત છે.

મનપા દ્વારા કોરોના પોઝિટિવ દર્દી, હોમ કવોરેન્ટાઇનમાં રહેલ દર્દી, પોઝિટિવ દર્દીના સમ્પર્કમાં આવેલ લોકો, ઇમરજન્સી સારવાર, લક્ષણો ધરાવતા લોકને ઘરે બેઠા કોરોના અંગેની ટેસ્ટીંગ, રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ, હોમિયોપેથિક દવાઓ, નસ્ય સેવા, હેલ્થ ચેકઅપ સેવા, મોટી ઉમરના વ્યક્તિઓનું બી.પી. – ડાયાબીટીસ ચકાસણી, કોન્ટેક્ટ ટ્રેસિંગમાં આવેલ લોકોનું નિયમિત ચેકઅપ વિગેરે જેવી સેવા માટે વાહનો દ્વારા ઘર આંગણે ઉપલબ્ધ કરાવેલ છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ આ સેવાઓ અંગે વાત કરાતા કહ્યું હતું કે, મનપા આપની સેવા માટે ‘રાઉન્ડ ઘ ક્લોક’ ખડે પગે છે. જો આપને કોરોના અંગેના પ્રાથમિક લક્ષણો જેવા કે, શરદી, તાવ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુર્ત જ મનપાની સેવાનો લાભ મેળવો. જરૂર જણાય તો તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક મેળવો. જેનાથી કોરોનાને પ્રાથમિક તબક્કામાં જ હરાવી શકાય અને આપને અને આપના પરિવારને ચેપ લાગતો અટકાવી શકાય છે. લોકોએ ટેસ્ટ કરવાથી ગભરાવું નહી. જેટલું વહેલું નિદાન કરવામાં આવશે એટલી વહેલી સારવાર આપવામાં આવશે. શહેરીજનોની સેવા માટે વાહનો દ્વારા સેવા ઉપલબ્ધ કરાવી છે તો લક્ષણો જણાયે વધુને વધુ લોકો આ વિનામુલ્યે આપવામાં આવતી સેવાનો લાભ ઉઠાવે અને કોરોનાને હરાવીએ.