પ્રામાણિક કરદાતાઓને રૂપિયા 21 કરોડ 64 લાખનું વળતર મળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મે અને જૂન મહિના દરમિયાન ખાસ વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષની વેરા વળતર યોજના તા.30 જૂનના રોજ પૂરી થતા કુલ રૂ. 211.82 કરોડની વિક્રમી આવક મનપાને થઈ છે. આ સાથે જ મનપાની તિજોરીમાં ધરખમ આવક ઠાલવનાર પ્રમાણિક કરદાતાઓને રૂ. 21.64 કરોડનું વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. વેરાની આ આવકને કારણે વર્ષના પ્રથમ કવાર્ટરમાં મનપાએ નવો રેકોર્ડ સર્જ્યો છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં મનપાના ચોપડે 5,86,129 મિલકતો નોંધાયેલી છે. આ પૈકી કુલ 3,09,247 કરદાતાએ ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ વેરો જમા કર્યો છે. આ વર્ષે પણ એડવાન્સ વેરો ભરવામાં પણ સૌથી મોટો અને જૂનો રહેલો કોમર્શિયલ વિસ્તાર વોર્ડ નં.7 આગળ રહ્યો છે. દાયકાઓ જુની મિલ્કતોમાં હેતુફેર, રિનોવેશન, વધુને વધુ ધંધાદારી મિલ્કતોના ઉમેરા, ગીચ બજારના કારણે આ વિસ્તારમાં કોમર્શિયલ પ્રોપર્ટીનો વેરો વધુ આવે છે. ત્યારે રાજકોટમાં સૌથી વધુ વેરો જૂના રાજકોટના વોર્ડ નં. 7માંથી રૂ. 27.56 કરોડ આવ્યો છે. આ વિસ્તતારના આસામીઓને 2.84 કરોડનું વળતર પણ આપવામાં આવ્યું છે.
લ્લેખનીય છે કે, 7 વર્ષ પહેલા મનપામાં ભળેલા અને સુવિધા ઝંખતા વોર્ડ નં.18ના કોઠારીયા વિસ્તારમાંથી 20,572 આસામીએ રૂ. 13.44 કરોડનો વેરો ભર્યો છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક મિલ્કતોનો પણ સમાવેશ થાય છે. હવે વેરા વળતર યોજના પૂરી થતા રિકવરી ઝુંબેશ ફરી કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે.
તેમજ નજીકના ભવિષ્યમાં જપ્ત મિલ્કતોની હરરાજીની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ચાલુ વર્ષે મનપા આવકના તમામ તેકોર્ડ તોડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જો કે, મનપા લોકોને સુવિધા આપવામાં નવો રેકોર્ડ ક્યારે કરશે તે આવનારો સમય જ બતાવશે.
- Advertisement -
કરદાતાની સંખ્યાની દૃષ્ટિએ વોર્ડ નં.11 આગળ
વોર્ડ નં.11ના 33,336 કરદાતાએ રૂ. 21.79 કરોડનો વેરો ભરીને રૂ. 2.30 કરોડનું વળતર મેળવ્યું છે. આમ કરદાતાની સંખ્યાની દ્રષ્ટિએ વોર્ડ નં.11 આગળ છે. જ્યારે કોમર્શિયલ મિલકત વધુ હોવાથી રકમમાં વોર્ડ નં. 7 આગળ છે. પોશ એરીયા વોર્ડ નં.8ના 19,061 કરદાતાએ રૂ 1,973 કરોડનો ટેકસ જમા કરાવ્યો છે. આ વોર્ડને રૂ 2.07 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ન્યુ રાજકોટના જ વોર્ડ નં.10માં રૂ.16.34 કરોડ અને વોર્ડ નં.9માં રૂ.15.15 કરોડનો વેરો જમા થયો છે. તેમજ મવડી અને વાવડીના વોર્ડ નં.12માં રૂ.12.83 કરોડ, વોર્ડ નં.2માંથી રૂ. 11.24 કરોડ, વોર્ડ નં.1માં રૂ.11 કરોડ, વોર્ડ નં.13માંથી રૂ.10.60 કરોડની આવક મનપાને મળી છે.