બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે. દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના બાદ ચીફ જસ્ટિસે તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે દેશમાં વર્તમાન સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટના જજોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
દેખાવકારોએ કરી હતી માગ
- Advertisement -
બાંગ્લાદેશમાં શેખ હસીના બાદ હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત તમામ જજ દેખાવકારોના નિશાન પર આવી ગયા છે. બાંગ્લાદેશમાં અનામત માટે ચાલુ થયેલા આંદોલને બાદમાં હિંસક રૂપ લીધુ હતું અને આ હિંસક પ્રદર્શનના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું અને દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓએ હવે સુપ્રીમ કોર્ટને નિશાન બનાવતા ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન સહિત તમામ જજોના રાજીનામાની માંગ કરી હતી. સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને તાત્કાલિક ચીફ જસ્ટિસના રાજીનામાની માંગ કરી હતી. રાજીનામુ આપ્યા બાદ ચીફ જસ્ટિસ સંકુલ છોડીને જતા રહ્યા હતા.
ચીફ જસ્ટિસ પર કેમ ભડક્યા વિદ્યાર્થીઓ
ચીફ જસ્ટિસે નવી વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના જ ફુલ-કોર્ટ બેઠક બોલાવી લીધી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડક્યો હતો. દેખાવકારોનો આરોપ છે કે, કોર્ટના જજો ષડયંત્રનો ભાગ છે. સ્થિતિને તણાવપૂર્ણ જોતા ફુલ-કોર્ટ બેઠક રદ કરવામાં આવી હતી. પરંતુ વિરોધીઓ સહમત ન થયા અને સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કરવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસને પદ છોડવા માટે એક કલાકનો સમય આપ્યો હતો.
- Advertisement -
મોહમ્મદ યુનુસે સંભાળી કમાન
બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો છે ત્યારે મોહમ્મદ યુનુસે હવે કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોહમ્મદ યુનુસ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગુરુવારે તેમણે શપથ લીધા છે.