વોર્ડ નં.3માં મૂળભૂત સુવિધાઓનો અભાવ : આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા વહીવટદારને રજૂઆત
વહીવટદાર સ્થળ મુલાકાત લઈને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં વસતા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ન મળતાં આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોષીએ આ મુદ્દે લેખિત રજૂઆત કરીને વિસ્તારમાં રહેવાસીઓને વર્ષોથી પડી રહેલી મુશ્કેલીઓ તરફ મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે વોર્ડ નં. 3માં આવેલા વિસ્તારમાં લોકો વર્ષોથી નિયમિતપણે મહાનગરપાલિકાને વેરો ચૂકવે છે, છતાં તેમને રસ્તા, ડ્રેનેજ અને અન્ય જરૂરી સુવિધાઓ મળતી નથી. વિસ્તારના રસ્તાઓ કાચા હોવાથી અને યોગ્ય લેવલિંગ ન કરાતા ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી બહાર આવી જાય છે, જેના કારણે આસપાસ ગંદકી ફેલાઈ રહી છે અને લોકો માટે અવરજવર મુશ્કેલ બની રહી છે.
રિંગ રોડથી માત્ર અડધો કિલોમીટર અંતરે આવેલ આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા ન હોવાને કારણે રાત્રિના સમયે ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓને આવાગમનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત વિસ્તારમાં આંગણવાડી જેવી જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ નથી, જેના કારણે નાના બાળકો અને માતાઓને મુશ્કેલીઓ ભોગવવી પડે છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે તાજેતરમાં જ નળ કનેકશન આપવામાં આવ્યા હોવા છતાં પાણીનો પૂરતો પુરવઠો મળતો નથી. સ્થાનિકોના મતે રાજકોટ મહાનગરપાલિકા માત્ર વેરા વસૂલવામાં જ સક્રિય છે, જ્યારે મૂળભૂત સુવિધાઓના મામલે આ વિસ્તાર સંપૂર્ણપણે વંચિત રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશભાઈ જોષીએ નવા નિયુક્ત થયેલા મહાનગરપાલિકાના વહીવટદારને સ્થળ મુલાકાત કરવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે જો વહીવટદાર પોતે સ્થળ પર આવીને સ્થિતિ નિહાળશે તો વિસ્તારના લોકોના જીવંત પ્રશ્નોની ગંભીરતા સમજાશે અને તેનો વહેલાસર ઉકેલ લાવી શકાયશે.
સ્થાનિક રહેવાસીઓએ પણ આશા વ્યક્ત કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે જેથી વિસ્તારમાં રહેતા લોકોને રાહત મળી શકે.



