તંત્રએ માલધારીઓને સંતોષકારક કામગીરી કરવાનો વિશ્ર્વાસ આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર તાલુકાનાં માલધારીઓએ ગૌચર ઉપર થયેલા દબાણ સહિતનાં પ્રશ્ર્ને રજુઆત કરી હતી. અને યોગ્ય કરવા માંગ કરી હતી. વિસાવદર તાલુકાના પશુધન માટે જુદાજુદા ગૌચર સરકારે ખાલી રાખ્યા છે. જેમાં અન્ય લોકોએ દબાણ કરી લેતા પશુઓ ઘાસચારા વગર ટળવળી રહ્યા છે. આ જગ્યાએ દબાણકારોએ જમીન દબાવી દેતા સમસ્યા ખડી થઇ છે. આથી આવા તત્વો સામે લેન્ડગ્રેબિંગ એકટ સામે ફરિયાદ નોંધાવવા અને કાર્યવાહી કરવાની માગણી સાથે ગત તા. 12 સપ્ટમ્બરે કાલસારી ગામના ભાયાભાઇ મેવાડા અને લોકોએ જુદાજુદા ગૌચર સર્વે નંબર પરના દબાણ ખાલી કરાવવાની માગણી કરી હતી. અને જો આ કાર્યવાહી નહી કરાય તો માલધારીઓ પશુધન સાથે મામલતદાર કચેરીએ આવશે એવી ચીમકી આપી હતી. આ બાબતે કેટલાય પશુપાલકો કહે છે કે આજે ફરી યાદ આપવા માટે પશુઓ સાથે બધા મામલતદાર કચેરીએ ગયા હતા. પણ મામલતદારના કથન મુજબ અહી ફકત માલધારીઓ જ આવ્યા હતા. એ બધાની રજુઆત સાંભળી છે. અમોએ જમીન લગત ઓથોરિટી ધરાવતા અધિકારીઓની કમીટી ગઠન કરીને આ પ્રશ્ર્ન ઉકેલશું. વિસાવદર આસપાસના મામલતદાર હસ્તકના ગૌચરને ખાલી કરવા બાબતે અમોએ માલધારીઓને સંતોષકારક કામગીરી કરવાનો વિશ્ર્વાસ આપ્યો છે.