જાણીતા કવિ અને રવિભાણ સંપ્રદાય, કહાનવાડીના મહંતશ્રી ડો. દલપત પઢિયારના વરદ હસ્તે અપાયો એવોર્ડ
ખાસ-ખબર સંવાદદાતા
અમરેલીમાં રમેશ પારેખ સાહિત્ય વર્તુળ દ્વારા 27 મી નવેમ્બરે રમેશ પારેખ જન્મજયંતી ઉજવણી અંતર્ગત એવોર્ડ અર્પણસમારોહ અને કવિ સંમેલનનો શાનદાર કાર્યક્રમ યોજાઈ ગયો. રમેશ પારેખ સાહિત્ય વર્તુળ દ્વારા નાથીમા અને હરિબાપા પરમારની સ્મૃતિમાં શરૂ કરવામાં આવેલો ‘કવિવર રમેશ પારેખ એવોર્ડ’ વર્ષ – 2023 નો કવિશ્રી સંજુ વાળાને, જાણીતા કવિ અને રવિભાણ સંપ્રદાય, કહાનવાડીના મહંતશ્રી ડો. દલપત પઢિયારના વરદ હસ્તે આપવામાં આવ્યો. ગુજરાતી ભાષામાં આગવી અને અલાયદી મુદ્રા ધરાવતા કવિશ્રી સંજુ વાળાની સર્જકતા વિશે, કવિ અને વક્તાશ્રી સમીર ભટ્ટે અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે અતિથિવિશેષ અમરેલીના જાણીતા તબીબ અને સાહિત્યમર્મજ્ઞ ડો. ભરત કાનાબાર સાહેબે રમેશ પારેખ સાથેના સંસ્મરણો વાગોળી કવિ સંજુ વાળાને અભિનંદન અને રમેશ પારેખ સાહિત્ય વર્તુળને શુભેચ્છાઓ પાઠવી. નાથીમા અને હરિબાપા પરમાર પરિવાર વતી શાંતિલાલ પરમાર દ્વારા કાર્યક્રમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રતિભાવમાં સંજુ વાળાએ રમેશ પારેખની સર્જકતા વિશે વાત કરી પોતાનો રાજીપો વ્યક્ત કરી રમેશ પારેખ સાહિત્ય વર્તુળનો આભાર માની અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. અધ્યક્ષીય ઉદબોધનમાં ડો. દલપત પઢિયાર સાહેબે રમેશ પારેખ, સંજુ વાળા અને રમેશ પારેખ સાહિત્ય વર્તુળ વિશે મનનીય વ્યાખ્યાન આપ્યું અને ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. પધારેલા મહેમાનો અને શ્રોતાઓનું સ્વાગત હરજીવન દાફડાએ, ભૂમિકા રોહિત જીવાણીએ અને આભાર કેતન કાનપરિયાએ વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું પોતાના આગવા અંદાજમાં સંચાલન કવિ સ્નેહી પરમારે કર્યું.
- Advertisement -
કાર્યક્રમના બીજા દોર, કવિ સંમેલનમાં નામાંકિત કવિઓ સર્વશ્રી ડો. દલપત પઢિયાર, સંજુ વાળા, સમીર ભટ્ટ, હરજીવન દાફડા, સ્નેહી પરમાર, કેતન કાનપરિયા, મુકેશ દવે, મુકેશ જોગી દ્વારા કવિતાઓનું પઠન કરવામાં આવ્યું. કવિ સંમેલનનું સુંદર સંચાલન કવિશ્રી ગોપાલ ધકાણ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં કવિઓ, લેખકો અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રમેશ પારેખ સાહિત્ય વર્તુળના સર્વશ્રી હરજીવન દાફડા, રોહિત જીવાણી, સ્નેહી પરમાર, કેતન કાનપરિયા, મુકેશ દવે, ગોપાલ ધકાણ મુકેશ જોગી વગેરેએ જહેમત ઉઠાવી હતી.