અમદાવાદમાં અમલ શક્ય તો રાજકોટમાં કેમ નહીં ?
રાજકોટ ટ્રાફિક પોલીસ અને મનપાના સંકલનના અભાવે તડકાથી બચવા નાછૂટકે સિગ્નલનો ભંગ કરવા મજબૂર બનતા વાહન ચાલકો
- Advertisement -
હાલ દેશભરમાં ભિષણ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ સમગ્ર દેશમાં કાળજાળ ગરમીની અગ્રીમ હરોળમાં આવી ગયું છે. ત્યારે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે ટ્રાફિક સિગ્નલ માથાનો દુખાવો બન્યા છે. બપોરના સમયે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાને પગલે શહેરીજનોને (ખાસ કરીને બાઈક ધારકોને) ભિષણ ગરમીના કારણે આકરો તાપ અને કાળજાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે…
ત્યારે હવામાન ખાતાની પણ આગાહી છે, કે આગામી દિવસોમાં ગરમી ભૂકકા બોલાવવાની હોય ત્યારે હાલ બપોરના 1-00 થી સાંજના 5-00 સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો ખુલ્લા રહે તો અવરજવર કરનારને તડકો સહન કરવાની નોબત ન આવે. ઘણીવાર બાઇકચાલકો તડકાથી બચવા ટ્રાફિક સિગ્નલને પણ અવગણી રહ્યા છે અને ના-છૂટકે નિયમોનો ભંગ કરી રહ્યા છે. કારણ કે, બપોરનો કાળઝાળ તડકો કોઈ પણ માટે સહન કરવો અતિ મુશ્કેલ બની રહ્યો છે. આજથી અંદાજે 15 દિવસ પહેલા અમદાવાદમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પરથી રાજકોટ ટ્રાફિક પોલીસ અને મનપાએ શીખવું જોઈએ. અહીં ક્યાંક ને ક્યાંક રાજકોટ મનપા અને ટ્રાફિક પોલીસ વચ્ચે પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને આ બાબતે જાહેર જનતા માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. પરંતુ ટ્રાફિક સિગ્નલ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય નિરાકરણ લાવવું અતિ જરૂરી જણાય છે.