પિતા-પુત્રને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો; 1.35 લાખનો મુદામાલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ફરી ચીખલીકર ગેંગનો આતંક સામે આવ્યો છે. ચીખલીકર ગેંગ દ્વારા મોટાભાગે ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવે છે.
ત્યારે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ તાલુકા પોલીસે ચીખલીકર ગેંગના બે સાગરીતને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપી પિતા-પુત્ર પાસેથી 1.35 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અંગે તપાસ કરતા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન હકિકત મળતા ચોક્કસ બાતમીના આધારે શકમંદ પિતા-પુત્રને પકડી પાડી આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીઓને પોતાના નામ અંગે પૂછતાં ઓમકારસીંગ સેવાસીંગ જુણી (ઉં.વ.44) અને મોહનસીંગ ઓમકારસીંગ સેવાસીંગ જુણી (ઉં.વ.21) જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 45,000 રોકડ તેમજ સોનાનો ચેન અને સોનાનું મંગળસૂત્ર મળી કુલ 1.35 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ પકડાયેલા આરોપી પિતા-પુત્ર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ઉપરાંત માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી ઓમકારસીંગ સેવાસીંગ જુણી વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદના બાપુનગર તેમજ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ તાળાની ચાવીઓ બનાવવા માટે અલગ-અલગ સોસાયટીની શેરીઓમાં ફેરીઓ કરતા હતા. તાળાની ચાવીઓ બનાવવા કોઇ ઘરે બોલાવતા પહેલા દિવસે તે ઘરની રેકી કરી ઘરના સભ્યોને વાતોમાં વિશ્વાસમાં લઇ રિપેરિંગનુ કામ અધુરૂ મુકી બીજા દિવસે આવી તેજ ઘરમાં ઘરના સભ્યોને વાતોમાં તેમજ કામમાં અટવાવી મોકો મેળવી તીજોરીઓની ચાવી બનાવી ખોલી ચોરીઓ કરતા હતા.