10 લાખ વસ્તીની ગણતરીએ પણ છેક 15મો ક્રમ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ અને રેન્ક જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સુરતે રાજયને ગૌરવ અપાવી પ્રથમ સ્થાન મેળવ્યું છે તો સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનું સ્થાન ગત વર્ષ કરતા ગબડીને 29માં ક્રમે ઉતર્યુ છે. જોકે, આ વખતે 10 લાખના બદલે 1 લાખની વસ્તીવાળા શહેરોની હરીફાઇ હોય, રાજકોટનો ક્રમ વધુ નીચે ઉતર્યો છે. દર વર્ષે 10 લાખથી વધુ વસતીવાળા શહેરોની સરખામણીમાં રેન્ક જાહેર થતા હતા. તેમાં ગતવર્ષે રાજકોટ 7માં ક્રમે હતું. પરંતુ ચાલુવર્ષે 10 લાખની ગણતરીએ પણ રાજકોટનો ક્રમ 15મો છે. જોકે આ વખતે એક લાખ વસતિવાળા તમામ શહેરો લીસ્ટમાં રાખવામાં આવતા રાજકોટનો 29મો ક્રમ આવ્યો છે. આજે ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણના રેન્ક જાહેર કરવામાં આવતા પ્રથમ ક્રમે ઇન્દોર અને સુરત ટોપ પર રહ્યા છે. રાજયમાં બીજા ક્રમે અમદાવાદ અને ત્રીજા ક્રમે રાજકોટ છે. ગત વર્ષે રાજકોટનો ક્રમ આ રેન્કમાં સાતમો હતો અને આ વખતે 29 સુધી નીચે ઉતર્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ કેન્દ્રમાંથી ટીમ આવી હતી અને સ્વચ્છતા અંગે સ્વતંત્ર રીતે સર્વેક્ષણ કર્યુ હતું. બાદમાં આજે મીનીસ્ટ્રીએ વર્ષ 2023નાં રેન્ક જાહેર કર્યા હતા.
- Advertisement -
લેગેસી વેસ્ટના નિકાલનું કામ બાકી હોવાથી માર્ક ઓછા મળ્યા
સરકારની વેબસાઇટ પર મૂકાયેલી માહિતી મુજબ 4800 જેટલા માર્કમાંથી સુરતને 4709 જેટલા માર્ક મળ્યા છે તો રાજકોટને 900 ઓછા એટલે કે 3800 જેટલા ગુણ મળ્યા છે. આ રીતે રાજકોટનો ક્રમ ઘણો નીચો આવ્યો છે. આ અંગે મનપા અધિકારીઓ દ્વારા રાજકોટના રેન્કીંગ, કારણો, માર્ક સહિતનો અભ્યાસ કરાઇ રહ્યો છે. મ્યુ. કમિશ્નર આનંદ પટેલનાં જણાવ્યા અનુસાર લેગેસી વેસ્ટના નિકાલનું કામ બાકી હોવાથી રાજકોટને માર્ક ઓછા મળ્યાની ધારણા છે.