શહેરીજનોને ચોમાસામાં ખાડા-ખબડામાંથી મળશે મુક્તિ
ગરમને બદલે ઠંડો ડામર વપરાશે, ખાડાને ચોરસ કરી તેના પર કોલ્ડ મિક્સ નાખી દેવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાની સીઝનમાં શહેરના રોડ-રસ્તાનો કચ્ચરઘાણ નિકળી જતો હોય છે, ડામર અને પેચવર્ક પણ થઇ શકતું નથી. ત્યારે મનપા દ્વારા ડામર અને પેચવર્ક માટે આધુનિક ચેટ પેચર મશીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવી છે.ચેટ પેચર મશીન દ્વારા વરસાદના બીજા દિવસે જ રોડ ઉપર ડામર તથા પેચવર્કનું કામ શરૂ કરી શકાય છે. જે માટે મનપા દ્વારા રૂા. 1.30 કરોડના ચેટ પેચર મશીનનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેની દરખાસ્ત પણ ટૂંક સમયમાં સ્ટેન્ડીંગ મુકવામાં આવશે.
ચોમાસામાં પણ ખાડાઓ બૂરી શકાય તે માટે મનપા નવી ટેક્નોલોજી લાવી રહી છે જેનું ટેન્ડર આવતા સપ્તાહે ખુલવાનું છે. એવા ઘણા વીડિયો ઈન્ટરનેટ પર છે જેમાં રસ્તામાં કોઇ ખાડો પડ્યો હોય એટલે એક ખાસ વાહન આવે ત્યારબાદ અમુક લોકો ખાડાની આસપાસથી ડામર કાઢીને ચોરસ બનાવી નાખે. મશીનથી ડામર નાખી ખાડો બુરી દે. આવી જ ટેક્નોલોજી હવે રાજકોટમાં વપરાવાની છે જેના માટે સેન્ટ્રલ ઝોન બાંધકામ શાખાએ ટેન્ડર કર્યા છે. મનપા મશીન ખરીદવાની નથી પણ સમગ્ર પ્રક્રિયા માટે એજન્સીને રોકાશે. તેને પ્રતિ ચોરસ મીટર મુજબ ભાવ આપશે. ટેન્ડરમાં હાલ 900 રૂપિયા ભાવ રખાયો છે.
ઈજનેરોએ જણાવ્યું હતું કે, ભેજ હોય ત્યારે ડામરકામ થઈ શકે નહીં, તેમજ ડામરકામ એકવાર ચાલુ કરાય એટલે પ્લાન્ટ શરૂ કરવો પડે અને વાહનમાં ગરમાગરમ લઈ આવી તેનો ઉપયોગ કરવો પડે જેને હોટ મિક્સ કહેવાય છે. જ્યારે મશીનમાં કોલ્ડ મિક્સનો ઉપયોગ થશે. કોઇ જગ્યાએ ખાડો હોય ત્યાં ટીમ જશે અને તેને ચોરસ શેપમાં કાપી ચોખ્ખો કરશે, ત્યારબાદ મશીન જેટ સ્પ્રેથી તેને સાફ કરશે. જેટલો ખાડો હશે તેટલો જ કોલ્ડ મિક્સ બનાવી વાપરી શકાશે આ કારણે સમય પણ બચશે. આ ઉપરાંત ખાડા માટે એક વર્ષની ગેરંટી લેવાશે.