આરોપી નડિયાદ જેલમાંથી પેરોલ જમ્પ કરી બે વર્ષ પહેલા નાસી છૂટ્યો હતો, રાજકોટમાં 15 સ્થળો પર ચોરી કર્યાની આરોપીની કબૂલાત
તાજેતરમાં શો રૂમમાંથી 8.79ની ચોરી થતાં શહેરભરની પોલીસ હરકતમાં આવી ગઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ચોકડી પાસે મહિન્દ્રા માર્શલ ટ્રેડિંગ કંપની નામના શો રૂમમાંથી 8.79 લાખની ચોરી થયાની ઘટનામાં તસ્કરને શોધવા કામે લાગેલી રાજકોટ શહેર પોલીસની અલગ-અલગ ટીમોમાં એલસીબી ઝોન-2ની ટીમને સફળતા મળી છે. નડિયાદ જેલમાંથી પેરોલ જમ્પ કરી બે વર્ષથી નાસી છૂટેલા સુરતના ઉમરપાડાના રજનીવાડ ગામના અજય નાયકા નામના કુખ્યાત તસ્કરને ઝડપી લઇ રાજકોટ શહેરમાં થયેલી 15 ચોરીઓના ભેદને એલસીબી-2ની ટીમે ઉકેલ્યા છે.
મહિન્દ્રાના શો રૂમમાં થયેલી ચોરીની માકક ખાસ કરીને ગોંડલ રોડ આસપાસના વિસ્તારમાં જ કારખાના, પેઢીઓ કે ઓફિસોમાં છેલ્લા પોણા બે વર્ષ દરમિયાન એક જ ઢબે ચોરીઓ થતી હતી જેમાં તસ્કર અંદર ઘૂસી માત્ર રોકડ ચોરતો અને સાથે ડીવીઆર પણ લઈ જતો હતો. ચોરીને અંજામ આપનાર કોઇ એક જ ગેંગ કે શખ્સ હોવાની પોલીસને આશંકા હતી. તાજેતરમાં થોડા દિવસ પહેલા શો રૂમમાંથી 8,79,500ની રોકડની ચોરી થતાં શહેરભરની પોલીસ હરકતમાં આવી ગઇ હતી. શો રૂમ તથા આસપાસના તેમજ ગોંડલ રોડના અનેક સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા. દરમિયાનમાં એલસીબી ઝોન-2ના પીએસઆઇ રામદેવસિંહ એચ.ઝાલા તથા તેમની ટીમને કુખ્યાત શખ્સ પકડવામાં સફળતા મળી હતી.
- Advertisement -
ટીમના જમાદાર રાહુલભાઇ ગોહેલ, જ્યપાલસિંહ સરવૈયા, અમીનભાઈ ભલુર, જેન્તીગીરી ગોસ્વામીને કુખ્યાત તસ્કર અજય હોવાની માહિતી મળી હતી. નહેરૂ નગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામનાથ વે-બ્રિજ પાછળ આવેલી ઓરડીમાં રહેતો હોવાની વિગત મળતા ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાંથી આરોપી થોડા દિવસ પહેલા જ ત્યાંથી નાસી ગયાનું જાણવા મળ્યું હતું. ઓરડી માલિકની પૂછતાછ વર્ણન અને સીસીટીવીમાં દેખાતા ચહેરાને ચેક કરાતા તસ્કર અજય નાયકા જ હોવાનું જમાદાર હરપાલસિંહ જાડેજા તથા અમીનભાઇ ભલુર ઓળખી ગયા હતા અને હાલ તે નાસીને વતન તરક ચાલ્યો ગયો હોવાની માહિતી મળી હતી.
આરોપીની કડક હાથે કરાયેલી સરભરામાં તેણે રાજકોટ શહેરમાં અલગ અલગ 15 સ્થળે માત્ર રોકડ રકમની તથા ડીવીઆરની મળી બે વર્ષ દરમિયાન 20 લાખથી વધુની રોકડની ચોરી કર્યાનું ખુલ્યું હતું. આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. એક સાથે શહેરમાં 15 મોટી ચોરીના ભેદ ઉકેલાતા સીપી રાજુ ભાર્ગવ, એડી સીપી વિધી ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ સહિતના અધિકારીઓ દ્વારા એલસીબી ઝોન-2 ટીમને અભિનંદન અપાયા તા. કુખ્યાત રીઢા તસ્કરને પકડવામાં પીએસઆઇ ઝાલા સાથે ટીમના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલિયા, ધર્મરાજસિંહ ઝાલા, મનિષભાઇ ઓઢિયા સહિતના પણ જોડાયા હતા.
38 વિદેશી ચલણી નોટ, ડીસમીસ સહિત 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત
એલસીબી-2ની ટીમે પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ આરોપી તસ્કરનું સુરત તરફ પગેરૂ દબાવ્યું હતું અને રજનીવાડ ગામ ખાતેથી દબોચી લેવાયો હતો. આરોપી પાસેથી 5.65 લાખની રોકડ રકમ, 6822 રૂપિયાની કિંમતની વિદેશી ચલણની 38 નોટો, ચોરી કરવા માટે ઉપયોગમાં લેતો ડીસમીસ, ગ્રાઇન્ડર તથા સ્વીચ પ્લગવાળુ લાઇટ બોર્ડ મળી કુલ 5,71,822 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.