હાલમાં વિવિધ માધ્યમમાં વાઈરલ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર અંગે સ્પષ્ટતા
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં વિવિધ માધ્યમો અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર વાઈરલ થયા છે તે ધ્યાને આવતાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.એ આ અંગે સ્પષ્ટતા કરી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ઇ.સ. 2014-15માં પાટણના ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ અને જ્યોત્સનાબેન મુકેશભાઈ પટેલના સંયુક્ત નામે મંજૂર કરાયેલા રૂા. 18.45 કરોડના ધિરાણમાં નિયમિત હપ્તા ન ભરાતા જુન 2019માં બંને ખાતાઓ આર.બી.આઈ.ના નિયમાનુસાર આ બંને ધિરાણો એન.પી.એ. જાહેર થયા હતા. ત્યારબાદ બેંક દ્વારા ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈ અનુસાર રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે પાટણ જિલ્લા કલેકટર દ્વારા જાન્યુઆરી 2021માં ધિરાણની સિક્યુરિટી પેટે રહેલી તમામ મિલકતોનો કબજો મેળવી બેંકને સોંપી આપવા માટે મામલતદાર (પાટણ શહેર)ને અધિકૃત કરતો ઓર્ડર કરી આપવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદાર પાટણ શહેર દ્વારા તા. 5 એપ્રિલ અને તા. 6 એપ્રિલ 2022ના રોજ તમામ ચાર મિલકતનો કબજો લઈ બેંકને સોંપી આપવામાં આવી હતી. દરમિયાન ખાતેદારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જે અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેઓની કડક શબ્દોમાં આલોચના કરી તેમને કોઈ રાહત આપી ન હતી. ખાતેદારો દ્વારા આ અપીલ પરત ખેંચી લેવામાં આવી હતી.
વધુમાં ત્યારબાદ બેંક દ્વારા કાયદા મુજબ કબ્જે લીધેલ તમામ મિલકતોની કબજા નોટીસ તા. 9-4-2022ના રોજ ત્યારબાદ વેલ્યુએશન મુજબ આવેલ સંદર્ભિત મિલકતની પ્રથમ વેચાણ જાહેરાત રૂા. 4,13,87,000 માટે, તા. 31-8-2022ના રોજ, દ્વિતીય વેચાણ જાહેરાત રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,72,48,300 માટે તા. 25-11-2022ના રોજ અગ્રણી અંગ્રેજી તથા ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલી અને તેની નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. દ્વીતીય જાહેરાતના અનુસંધાને બેંકને મળેલી ઓફર પૈકી સંદર્ભિત મિલકત માટે વિનોદભાઈ એસ. પટેલ (જે બેંકની જાણ અનુસાર ખાતેદાર મુકેશભાઈ પટેલ દ્વારા જ રજૂ કરાયેલ) દ્વારા ઓફર કરેલ રકમ રૂા. 5,13,00,000થી વધી રૂા. 8,00,00,000 કરી આપવામાં આવ્યા જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ જણાયેલ, પરંતુ બેંકનો હેતુ રિકવરીનો હોય તેમનું ટેન્ડર માન્ય રાખવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા નિયત સમય મર્યાદામાં બાકીની રકમ ભરપાઈ કરવામાં આવેલી ન હોઈ તેઓ દ્વારા ટેન્ડર સાથે જમા કરાવેલી 10 ટકા મુજબની રકમ રૂા. 37,24,900 જપ્ત કરી ખાતેદારના ખાતામાં જમા આપી મિલકતની ઓકશન રદ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ વેચાણના વધુ એક પ્રયત્ન માટે નિયમાનુસાર રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,35,23,470માં વેચવા માટે ફરીથી વેચાણ જાહેરાત તા. 4-2-2023ના રોજ અગ્રણી અખબારોમાં પ્રસિદ્ધ કરી હતી. નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. ઉપરોક્ત વેચાણ જાહેરાતના અનુસંધાને બેંકને સંદર્ભિત મિલકત પેટે એકમાત્ર ટેન્ડર રૂા. 3,36,00,000નું મળેલું, જે નિયમાનુસાર રિઝર્વ કિંમત કરતાં વધુ રકમનું હોય બેંક દ્વારા માન્ય રાખી નિયમાનુસારની બાકીની રકમ નિયત સમય મર્યાદામાં ભરપાઈ થયેથી ટેન્ડરની ફેવરમાં બેંક દ્વારા તા. 21-3-2023ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. આમ બેંક દ્વારા મિલકતના કબજા તથા વેચાણની લગતી તમામ કાર્યવાહી ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન કર્યા બાદ જ તથા દરેક તબક્કે છથી સાત અધિકારીઓની ચકાસણી બાદ પારદર્શક રીતે જ કરવામાં આવેલી હોય કોઈપણ જાતની ક્ષતિ હોવાની શક્યતા રહેતી નથી. વધુ એક વિગત, સીઆઈડી (ગાંધીનગર) સમક્ષ ડિસેમ્બર 2023માં ખાતેદાર દ્વારા અરજી કરવામાં આવતાં, બેંક દ્વારા ઉપરોક્ત હકીકતો મુજબ સીઆઈડીને પણ દસ્તાવેજી આધારા-પુરાવાઓ સાથે જવાબ પાઠવેલ છે.
દરમિયાન નવેમ્બર 2023માં (એટલે કે સંદર્ભિત મિલકત વેચાણ થઈ ગયાના 8 માસ બાદ) ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ તથા પાટણના એક અખબારના તંત્રી બેંકે રૂબરૂ મળવા આવ્યા અને તેઓએ મામુલી રકમ એટલે કુલ બાકી રકમ અંદાજિત રૂા. 20 કરોડની સામે ફકત રૂા. બે કરોડ જમા કરાવી બેંક દ્વારા હજુ પણ ન વેચેલ પાટણ સ્થિત કોલેજની મિલકતો કે જેનો કબ્જો જિલ્લા કલેકટર પાટણના ઓર્ડરના અન્વયે બેંકને મળેલો હોય તેના લોક ખોલી કબજો પરત સોંપવા માટે માગણી કરી હતી. આ માગણી નિયમાનુસાર બેંક માટે શક્ય ન હોવાથી અસ્વીકાર કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા નામદાર ડી.આર.ટી.માં ફાઈલ કરાયેલ એસ.એ.-377-2022માં પણ તા. 1-11-2023ના રોજ ખાતેદારો દ્વારા અંદાજિત રૂા. બે કરોડ ભરી પાટણની કોલેજવાળી મિલકતના તાળા ખોલી આપવાની અરજી પણ નકારી કાઢવામાં આવી હતી. વધુમાં બેંક દ્વારા લેણી રકમની વસુલાત માટે અરજદારો પર ચેક રિટર્નના એકથી વધુ કેસ કરવામાં આવેલા છે જે પૈકી અમુક કેસોમાં નામદાર હળવદ કોર્ટ દ્વારા અરજદારોને રકમ ભરપાઈ કરવાના હુકમ ઉપરાંત સજા પણ ફટકારવામાં આવી છે.
અરજદારોની વખતોવખતની વિવિધ માગણીઓ વિવિધ અદાલતો દ્વારા સમયાંતર નકારી કાઢવામાં આવી છે. પાટણના અખબાર દ્વારા અધુરી અને એકતરફી માહિતી સાથે વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે તેના જવાબદારો સામે બેંક દ્વારા નિયમાનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવનાર છે તેવું અંતમાં જણાવ્યું હતું.