બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓડીસા, પંજાબ, હરિયાણામાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી : સિકકીમમાં નુકસાન : તાપમાનનો પારો ગગડવા લાગ્યો
હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસુ આગામી 3 થી 4 દિવસોમાં બિહાર અને પૂર્વ-ઉત્તરપ્રદેશના અનેક ભાગો, ઝારખંડ, ઓરીસ્સા અને બંગાળના મહત્તમ વિસ્તારો સુધી પહોંચી જશે. આસામ અને બિહારમાં અલગ અલગ ચક્રાવાતની સ્થિતિ બની રહી છે જેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
- Advertisement -
ચોમાસાના આગમન પહેલા ઉત્તર ભારત સહિત અનેક રાજયોમાં ગઇકાલે ભીષણ ગરમીમાંથી લોકોને રાહત મળી છે. માત્ર દક્ષિણી ઉત્તરપ્રદેશ અને ઓરીસાના અમુક ભાગોમાં ગુરૂવારે લુની સ્થિતિ હતી. બાકીની જગ્યાએ સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણામાં ઘણા દિવસો બાદ ન્યુનતમ તાપમાન સામાન્યથી નીચે ઉતર્યુ છે. મહતમ તાપમાન સામાન્ય નજીક રહ્યું હતું. દેશમાં સૌથી ઉંચુ તાપમાન ગઇકાલે હરિયાણાના સીરસામાં 43.8 ડિગ્રી નોંધાયુ હતું. ચોમાસુ 3-4 દિવસમાં આગળ વધવા સાથે આસામ અને બિહારમાં સિસ્ટમ બની રહી છે. બિહારમાં તા. 24 ભારે વરસાદની આગાહી છે. ઝારખંડમાં તા.23-24ના રોજ ભારે વરસાદ પડશે.
હિમાચલ પ્રદેશમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સીમલામાં પૂરો દિવસ વાદળા હતા. અહીં મહતમ તાપમાન પ ટકા નીચે ઉતરી ગયું હતું. રાજસ્થાનના ઘણા જિલ્લામાં મોડી સાંજે વરસાદથી તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. સિકકીમમાં સતત ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં ભૂસ્ખલન ચાલુ રહ્યું છે. તેની સૌથી વધુ અસર પશ્ચિમ સિકકીમના ડેંટમમાં થતા મિલ્કતો અને પશુધનના નુકસાન થયા છે. જોકે કોઇના મૃત્યુ નથી. ડેંટમમાં અનેક ઘર તણાઇ ગયા છે. હરિયાણામાં ગરમીમાં થોડી રાહત થઇ છે. ભારે પવન બાદ ઝાપટા પડયા હતા.