કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કહ્યું- આ રેલવે અધિકારીઓની બેદરકારી દર્શાવે છે
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે જણાવ્યું હતું કે સિગ્નલિંગમાં ગરબડના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બની હતી.
રેલવે સેફ્ટી કમિશનરે અકસ્માતની તપાસ પૂર્ણ કરી છે.
- Advertisement -
તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતના થોડા દિવસો પહેલા નોર્થ સિગ્નલ (ગુમતી સ્ટેશન) પર સિગ્નલિંગ સર્કિટમાં ફેરફાર થયો હતો. સ્ટેશન પર લેવલ ક્રોસિંગ ગેટ નંબર 94 માટે ઈલેક્ટ્રિક લિફ્ટિંગ બેરિયરને બદલવાના સિગ્નલિંગ કામ દરમિયાન આ ખલેલ ઊભી થઈ હતી. જેના કારણે ટ્રેનને ખોટી લાઇન પર લીલી ઝંડી આપવામાં આવી હતી, જ્યાં ગુડ્સ ટ્રેન પહેલેથી જ ઊભી હતી. આ કારણોસર, કોરોમંડલ એક્સપ્રેસ પાટા પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. ત્યારબાદ બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ કોરોમંડલના કોચ સાથે અથડાઈ હતી. આ અકસ્માત રેલવે અધિકારીઓની ક્ષતિ અને બેદરકારી દર્શાવે છે. રેલવે મંત્રીએ આ માહિતી રાજ્યસભામાં લેખિતમાં માર્ક્સવાદી નેતા જ્હોન બ્રિટાસ અને રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના પ્રશ્નના જવાબમાં આપી હતી. તેમણે ગૃહમાં જે 40 પાનાનો અહેવાલ આપ્યો હતો તે 3 જુલાઈએ બહાર આવ્યો હતો.
41 મૃતકોની હજુ ઓળખ થઈ નથી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ અકસ્માતમાં 295 લોકોનાં મોત થયા છે. 176 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, 451 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને 180 લોકોને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 41 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.