ખાસ-ખબર સંવાદદાતા
ઈરાનની સરકારે દેશની મહિલાઓ માટે હિજાબ પહેરવાના નિયમોને આકરા બનાવ્યા છે અને તેનો ભંગ કરનાર મહિલાઓને આકરી સજા કરવાની જોગવાઈ પણ કરી છે. હવે ઈરાનની સરકારે તેના પર અમલ પણ શરુ કરી દીધો છે. ઈરાનમાં હિજાબ પહેરવાનો ઈનકાર કરનાર એક મહિલાને 74 કોરડા ફટકારવામાં આવ્યા છે. આ પીડિત મહિલાનુ નામ રોયા હેશમતી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે હિજાબની પ્રખર ટીકાકાર મહિલા રોયા હેશમતીએ કોર્ટમાં હિજાબ પહેર્યા વગર પ્રવેશ કર્યો હતો અને પોતાને સજા કરવા માટે પડકાર ફેંક્યો હતો. અધિકારીઓએ તેને ચેતવણી પણ આપી હતી. આમ છતા આ મહિલા પોતાના દાવામાં અડગ રહી હતી. એ પછી તેને 74 કોરડા ફટકારવામાં આવ્યા હતા. હેશમતીએ સજા પોતાની પીઠની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની પીઠ પર સોળ ઉપસી આવ્યા છે. જેને જોઈને લોકો ચોંકી ઉઠયા છે અને વિચારી રહ્યા છે કે, આ પ્રકારની ઘાતકી અને ક્રુર સજા આપવાનો અધિકારીઓનો જીવ કેવી રીતે ચાલ્યો હશે. જોકે આ સજા થયા પછી પણ હેશમતીએ હિજાબ વગર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાની હિંમત દાખવી છે. બીજી તરફ અન્ય એક કિસ્સામાં હિજાબ વિરોધી અન્ય એક મહિલા જેનાબ ખોન્યાબપુરને સોશિયલ મીડિયા પર હિજાબ વગરની તસવીરો શેર કરવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારાઈ છે.