સુરત શહેરમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે અમુક વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે તો અમુક જગ્યા પર લાંબી લાઈનો લાગેલી છે. જેને પગલે લોકોમાં રોષ ફેલાયેલો છે.પુણાની ઈશ્વર નગર સોસાયટી ખાતે સ્થાનિકો વેક્સિન ન મળવાને કારણે રોષે ભરાયા છે. છેલ્લા અઠવાડિયાથી હેરાન થતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સોસાયટીમાં ૧૨૫ લોકોને વેક્સિનના બીજો ડોઝનો સમય પૂર્ણ થયા બાદ પણ વેક્સિન મળી રહી નથી. જેને લઈને અનેક સ્થળોએ આવી ફરિયાદ જોવા મળી રહી છે.
સ્થાનિક સુરેશભાઈએ કહ્યું કે, જ્યારે સેન્ટર પર જઈએ છીએ ત્યારે ત્યાં જાણવા મળે છે કે માત્ર સો લોકોને ટોકન આપીને વેક્સિન કરવામાં આવી રહ્યા છે. બાકીના લોકોને હાથમાં ટોકન લખવામાં આવે છે. જેથી અઠવાડિયા થી અમે ધક્કા ખાઇ રહ્યા છે. અમારી માંગ છે કે જે લોકોને મેસેજ આવ્યા હોય તે લોકોને જ બીજો ડોઝ આપવામાં આવે અથવા વેક્સિનેશન સેન્ટર ઉપર બદલાવ કરવામાં આવે. ક્યાં તો પછી અમારી સોસાયટીમાં કેમ્પ કરીને વેક્સિન આપવામાં આવે.