મોટાભાગે ગૌચર જમીન આસપાસના ખેડૂતોએ દબાવીને વાવેતર કરવા લાગ્યા જ્યારે કોઈ જગ્યાએ બાંધકામ ખડકાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના 21 ગામોમાં 81 હેક્ટર ગૌચરની જમીન પર દબાણ થયાનું સરવેમાં સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના 593 ગામડાં પૈકી અત્યારે ઓકટોબર – 2025 ની અંતિમ સ્થિતિએ 21 ગામોમાં 501 ઈસમો દ્વારા 81.34 હેકટર ગૌચર જમીનમાં દબાણ કર્યાનું સર્વેમાં જણાયું છે. જેમને નિયત પ્રક્રિયા અનુસાર નોટિસ આપીને જવાબ રજૂ કરવા તાકીદ કરી દેવામાં આવી છે.
- Advertisement -
ગત માર્ચ મહિનામાં બજેટની સામાન્ય સભામાં ખાસ ઠરાવ કરીને તમામ 593 ગામોમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોનો સર્વે કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના આધારે હાલની સ્થિતિ જોઈએ તો રાજકોટ જિલ્લાનાં 593 ગામોમાં 54,411 હેકટર ગૌચર જમીન છે. જેમાં 21 ગામડાંમાં 81.34 હેકટર જમીનમાં 501 ઈસમો દ્વારા પેશકદમી કરવામાં આવી છે. એટલે કે સર્વે પ્રમાણે 0.15 ટકા ગૌચર જમીનમાં દબાણો છે, જે ખાલી કરવા માટે નોટિસની પ્રક્રિયા ચાલુ છે. મોટાભાગે ગૌચર જમીન આસપાસના ખેડૂતોએ દબાવીને વાવેતર કરવા લાગ્યા છે. કયાંક રહેણાક અને કોમર્શિયલ બાંધકામ પણ થઈ ગયા છે. રાજકોટ જિલ્લામાં આઠ મહિનામાં થયેલા સર્વે રિપોર્ટ પ્રમાણે, સૌથી વધુ લોધિકા તાલુકામાં ફકત બે ગામોમાં જ અધધ 385 ઈસમો દ્વારા 25 હેકટર ગૌચરમાં પેશકદમી કરવામાં આવી છે.
જો કે આશ્ચર્યજનક રીતે ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી, રાજકોટ, વિંછીયા, ઉપલેટા અને પડધરી તાલુકામાં ગૌચર જમીનમાં દબાણો નહીવત છે. એ તો ઠીક, ઘણા મહિનાઓથી દબાણકારોને ફકત નોટિસ જ આપવામાં આવી રહી છે. સરકારી રેકર્ડમાં ગૌચર જમીન તરીકે નોંધ હોવા છતાં દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદાકીય પગલા ભરવામાં આવતા નથી. જિલ્લા પંચાયતમાં દબાણ શાખા છે પણ સ્ટાફની અછત અને ઈચ્છા શક્તિના અભાવે દબાણો દૂર થતાં નથી. આ ઉપરાંત રાજકીય દબાણ અને હસ્તક્ષેપ પણ વિઘ્નરૂપ બને છે.



