ફોજદારી ધારામાં સુધારા બાદ હવે વેરા સંબંધીત કાનુનમાં ફેરફારની કવાયત
1961 ઇન્કમટેકસ એક્ટની 120 કલમ અને પેટા કલમો રદ્દ કરવા ઉપરાંત સમગ્ર કાનુનને સરળ, કાનુની વિવાદ ઘટાડવા અને ટેક્સ જોગવાઇ અંગે સ્પષ્ટ બ્લૂ પ્રિન્ટ બનાવવા તૈયારી: સમગ્ર પ્રક્રિયા ફાસ્ટટ્રેક પર મૂકાઇ
2017માં મોદી સરકારે નિયુકત કરેલી કમિટિનો અહેવાલ નાણામંત્રાલયને સુપરત: જાન્યુઆરી માસમાં આખરી સ્વરૂપ આપી દેવાશે: ડાયરેકટ ટેક્સ કોડનો અમલ હાલ નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશમાં ફોજદારી ધારા સહિતના કાનુનોમાં ધરમુળથી સુધાર્યા કર્યા બાદ હવે મોદી સરકાર આગામી બજેટમાં આવક વેરા કાનુનમાં પણ મોટા સુધારાની જાહેરાત કરશે. ઇન્કમટેકસ એકટ 1961ની સમીક્ષા કરવા મોદી સરકારે 2017માં એક નિષ્ણાંત કમીટીની નિયુકિત કરી હતી અને તેમાં સીધા કરવેરા સંદર્ભમાં જે કંઇ વર્તમાન પરિસ્થિતિ મુજબ સુધારા જરૂરી છે તે સુચવવા અને સમગ્ર આવકવેરા કાનુનને સરળ બનાવવા માટે ચીફ ઇન્કમટેકસ કમિશ્ર્નર વી.કે.ગુપ્તાના અધ્યક્ષપદે હેઠળની કમીટીએ તેનો રિપોર્ટ નાણામંત્રીને સુપરત કરી દીધો છે.
હવે તેના પર આખરી સમીક્ષાનું કામકાજ ચાલી રહ્યું છે તથા નાણામંત્રી નિર્મલા સિતારામન કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરશે. દસકાઓ જુના આવકવેરા કાનુનમાં હાલની પરિસ્થિતિ મુજબ અનેક સુધારા જરૂરી બની ગયા હતા અને ખાસ કરીને આવકવેરામાં જે વેરા મુકિત મળે છે અને જે ડિડકશન થાય છે તેનું ડુપ્લીકેશન અટકાવવા અને સમગ્ર સિસ્ટમને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ઢાળવા અને કોમ્પ્યુટરાઇઝેશનને મહત્વ આપવા પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
આવકવેરામાં જે રીતે નાના નાના વિવાદ માટે અપીલ સહિતની જે લાંબી પ્રક્રિયા છે તેને પણ કઇ રીતે સરળ બનાવી તે અંગે કમીટી દ્વારા ભલામણ કરાઇ છે અને મંત્રાલયે સમગ્ર રીપોર્ટને ખાસ ટ્રેક પર મૂકી દીધો છે અને જાન્યુઆરીમાં તે તૈયાર થઇ જશે અને 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરવામાં આવશે તેવા સંકેત છે.
- Advertisement -
સુત્રોના જણાવ્યા મુજબ આવકવેરા કાયદામાં 120 જેટલી કલમો, પેટા કલમોને રદ્દ કરવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને વ્યાપાર ઉદ્યોગ માટે પણ જે સ્પેશ્ર્યલ ઇકોનોમીક ઝોન સહિતની ઔદ્યોગિકરણની જોગવાઇ છે તેમાં કેપીટલ ગેઇન જેવા મુદાને આવરી લેવાયા છે. આ ઉપરાંત સરકાર લાંબા સમયથી ડાયરેકટ ટેકસ કોડની ચર્ચા કરે છે.
પરંતુ હાલ તેને એક બાજુ મૂકીને આવકવેરા કાયદાને સરળ બનાવવા માટે ધરખમ ફેરફારની તૈયારી છે. ડાયરેકટ ટેકસ કોડનો 2019માં ડ્રાફટ તૈયાર હતો અને હવે તેમાં ફરી એક વખત સુધારા જરૂરી છે.
નાણામંત્રાલયે આ સુધારા માટે કાનુન મંત્રાલયની પણ સહાયતા લીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક ટેકસના ચેરમેન રવી અગ્રવાલે જણાવ્યું કે કમીટીએ જે કંઇ સુધારા સુચવ્યા છે. તેમાં ખાસ કરીને લીટીગેશન ઘટાડવા માટે ભાર મૂકવામાં આવે છે 1922માં દેશમાં આવક વેરા કાનુન લાગુ થયો અને બાદમાં આઝાદી બાદ ઇન્કમટેકસ એકટ 1961ને લાગુ કરાયો તેમાં 298 કલમો 23 ચેપ્ટર અને અન્ય જોગવાઇઓ છે.
નાણામંત્રીએ અગાઉ કહ્યું હતું કે આવકવેરા કાનુનને અત્યંત સરળ બનાવવા કરદાતાની સુવિધા વધારવા કાનુની વિવાદ ઘટાડવા અને કર પાત્રતા અંગે ચોકકસતા લાવવા માટે સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી છે.