ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે. જો કે, જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ શરૂ થવાની શક્યતાએ મહાનગરપાલિકા તંત્રએ છેલ્લા પાંખવાડિયાથી પ્રિ-મોન્સૂનની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી આગામી 10 દિવસમાં પૂર્ણ થશે અને તેમાં અંદાજીત રૂપિયા 40-45 લાખનો ખર્ચ થાય તેવી શક્યતા મેયર ડો.પ્રદીપ ડવે વ્યક્ત કરી હતી. જો કે, દર વર્ષની જેમ આ કામગીરી માત્ર કાગળ પર થશે કે ખરેખર સફાઈ કરવામાં આવશે તે તો ચોમાસું શરૂ થયા બાદ જ જાણી શકાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહથી પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરભરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય નહીં તે માટે વોકળા અને નાલાઓની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેરમાં આવેલા અંદાજે 52 જેટલા વોકળાની સફાઈ કરવામાં આવનાર છે. આ કામગીરી આગામી 10 દિવસમાં જ પુરી થવાની શક્યતા રાજકોટ શહેરનાં મેયર ડો. પ્રદીપ ડવે વ્યક્ત કરી છે.
મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા મુજબ પ્રિ-મોન્સૂનની કામગીરી સંદર્ભે શહેરમાં આવેલા નાના-મોટા વોકળાની સફાઈ કરવા ઉપરાંત તમામ 18 વોર્ડની ડ્રેનેજ કુંડીઓ સહિત પાણીના નિકાલ માટે જે કાંઈ મુશ્કેલીઓ અગાઉ થયેલી છે, તે ન થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલી કામગીરીમાં શહેરના 52 જેટલા વોકળાની સફાઇ, ડ્રેનેજ કુંડીઓની સફાઈ અને સ્ટ્રોર્મ વોટર પાઇપલાઇનની સફાઈ કરવામાં આવનાર છે. જેમાં 52 પૈકીનાં 38 વોકળાની સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે. બાકી રહેલી કામગીરી આગામી 10 દિવસ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી માટેનો અંદાજીત ખર્ચ રૂ. 40-45 લાખ થવાની શક્યતા તેમણે દર્શાવી હતી.
વરસાદ બાદ કામગીરીની વાસ્તવિક્તા સામે આવશે
નોંધનીય છે કે, પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. જો કે, આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેમ મામુલી વરસાદ પડતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા આ કામગીરીની પોલ ખુલ્લી પડતી હોય છે. ત્યારે આ વખતે પણ કામગીરી ખરેખર કરવામાં આવી છે કે માત્ર કાગળ ઉપર જ આ કામ થયું છે તેની સાચી હકીકત ચોમાસામાં બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યા બાદ જ સામે આવશે.