કલેક્ટરના માર્ગદર્શનમાં આકરી કાર્યવાહી કરી અંદાજિત રૂ. 4 કરોડની જમીન ખાલી કરાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પ્રભાસ પાટણ વિસ્તારમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકની અંદાજિત 3,200 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી આશરે રૂ.4 કરોડની જમીનનું અનધિકૃત દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. પ્રભાસ પાટણ વિસ્તારમાં ભાલકા મંદિરથી ભીડિયા તરફ જતાં રોડ પર નારાયણ આઈસ ફેકટરીની પાછળના ભાગે આવેલી ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકની જમીન પર પૂર્વ પાલિકા પ્રમુખ અને ભાજપ નેતા કિશોર કુહાડા દ્વારા અનધિકૃત કબ્જો કરવામાં આવ્યો હતો. કિશોર કુહાડા દ્વારા જમીન પર કબજો કરી અને ગેરકાયદેસર ધોરણે સિઝનલ રૂ.40 હજાર ભાડેથી જેમ્સ રોબર્ટ પીઆરને આપવામાં આવી હતી. જે અન્વયે ગુજરાત મેરિટાઈમ બોર્ડના અધિકારી દ્વારા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતને ધ્યાને લઈ કલેકટર દ્વારા તાત્કાલિક મામલતદાર વેરાવળ શહેરને સૂચના આપતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદેસરના કબ્જા વાળી જમીન પરનું અનધિકૃત દબાણ ખૂલ્લું કરાવવામાં આવ્યું હતું. આ દબાણ ખૂલ્લું કરવા અંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગુજરાત મેરિટાઈમ બોર્ડની રજૂઆતને ધ્યાને લઈ જમીનના ટાઈટલ અંગે પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ જેમ્સ રોબર્ટ પીઆર જણાવ્યું હતું અને માહિતી આપી હતી કે આ જગ્યા કિશોર કુહાડા પાસેથી માસિક રૂ. 40 હજારમાં ભાડે રાખેલી છે.
- Advertisement -
કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યા ભાડે વ્યવસાયિક ધોરણે ચાલતી હતી. આ બાબતે રેકોર્ડ ચકાસતાં આ પ્લોટ ગુજરાત મેરિટાઈમ બોર્ડની માલિકીનો નીકળ્યો હતો. જે લીઝ પર કે અન્ય કોઈ કરાર પર નહોતો. જે બાબતે જી.એમ.બી.ના પ્લોટ ઓફિસરને જણાવી જી.એમ.બી.ની રજૂઆતને ધ્યાને રાખીને સિટી મામલતદાર સહિતના અધિકારીઓને સાથે રાખીને આશરે રૂ. 4 કરોડની કિંમતની જમીન ખાલી કરાવવામાં આવી હતી.