ખાડાઓને અગરબત્તી અને શ્રીફળથી ‘પૂજન’ કરીને દર્શાવ્યું મનપાની કામગીરી સામે અસંતોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં મોનસૂનની શરૂઆત સાથે રસ્તાઓની ખસ્તાહાલ સ્થિતિ ફરી એક વખત ચર્ચામાં છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક પાસે રસ્તા પર પડેલા મોટા ખાડાઓને લઈ કોંગ્રેસના આગેવાનો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો.કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર માથુરભાઈ માલવી, કેતન તાળા, પ્રકાશ વેજાપરા સહિતના આગેવાનો દ્વારા માર્ગ પર પડેલા ખાડાઓને હારતોલા પહેરાવી, અગરબત્તી ધૂપ કરી અને શ્રીફળ વધાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શન દ્વારા શહેરમાં બેકાબૂ થઈ ગયેલા રસ્તાઓની ખરાબ હાલત સામે અવાજ ઉઠાવાયો હતો. મવડીના લોકો સહિત વાહનચાલકોને વરસાદ બાદ સર્જાયેલી દયનીય પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ચારે બાજુ ગટ્ટાં અને ખાડા સર્જાયા છે, જેના કારણે અકસ્માતની પણ શક્યતા વધી રહી છે. વિશેષ વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, છતાં મેઘમહેર થતાં જ રસ્તાઓના મૂળ ચહેરા બહાર આવી ગયા છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, “જ્યારે શહેરના રસ્તાઓ ખસ્તાહાલ હોય અને લોકોને રોજમરારની હેરાનગતી ભોગવવી પડે ત્યારે મનપા માત્ર કાગળ પર કામ કરે છે. અમારો આ વિરોધ મૌન નહીં રહે, આ હાલત સામે હવે નાગરિકોએ પણ અવાજ ઊઠાવવો પડશે.”