જૂનાગઢ લોકસભા ચૂંટણી અન્વયે તંત્રનો ઈકો ફ્રેન્ડલી અભિગમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
જૂનાગઢ ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા નાની-મોટી 150થી વધુ પ્રકારની સ્ટેશનરીનો ઉપયોગ કરવામાં આવે છે, પોલિંગ સ્ટાફને મતદાન પૂર્વે આ સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે પોલિંગ સ્ટાફને મતદાન મથક સુધી પ્લાસ્ટિક કે અન્ય બેગ આપવાની બદલે કાપડની એટલે કે ઈકો ફ્રેન્ડલી બેગ આપવાનો ચૂંટણી તંત્રએ એક નવતર અભિગમ અપનાવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વમાં ચૂંટણી તંત્રએ વધુ એક આવકારદાયક પહેલ કરી છે.
મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુશ્રી કીર્તન રાઠોડે 87- વિધાનસભા મતવિસ્તાર માટે પોલિંગ સ્ટાફને આપવાની થતી સ્ટેશનરી માટે ખાસ કાપડની થેલી બનાવવામાં આવી છે. આ કેરી બેગમાં ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ- લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેવા લખાણથી પોલિંગ સ્ટાફને ચૂંટણી એટલે કે, લોકશાહીના પર્વમાં ફરજ બજાવવા માટે ઉત્સાહવર્ધન પણ કરે છે. આમ, આ એક ઈકો ફ્રેન્ડલી પહેલની સરાહના પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગિરનાર પર્વત જંગલ ઉપરાંત ગીર અભયારણ્ય વિસ્તારમાં પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક જતું અટકે અને લોકો પણ પ્લાસ્ટિકનો વપરાશ ન કરે તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રેરક અભિયાનો હાથ ધર્યા છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં આ નવતર પહેલ પણ લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે પ્રેરક બનશે.



