મોદી આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે પણ વાતચીત કરશે
મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર 35 મિનિટ સુધી વાત કરી છે. 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી 26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કી સાથે પહેલીવાર વાત કરી હતી. આજે મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી.
આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન વચ્ચેના સીધા સંવાદની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના સમર્થનનો આભાર માન્યો હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે યુક્રેન સરકારનો સહયોગ માંગ્યો હતો. મોદીએ કહ્યું હતુ કે મને આશા છે કે સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટેના પ્રયાસોમાં યુક્રેન સરકાર સતત મદદ કરતી રહેશે.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ 24 ફેબ્રુઆરીની રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ ઞગ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતનું સમર્થન માંગ્યુ હતું. 2 માર્ચે બંને નેતાઓએ બીજી વખત વાતચીત કરી હતી. જેમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારનાં ટોચનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પીએમ મોદી બપોરે 1:30 વાગ્યે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે. આ બેઠકમાં પીએમ મોદી યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ઝેલેન્સ્કી અને પુતિન સાથે ચર્ચા કરશે.
કેન્દ્ર સરકારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ સાથે ભારતીય નાગરિકોને બહાર નીકળવા માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરતાં પહેલાં યુક્રેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે પણ યુદ્ધવિરામ માટે હાકલ કરી છે, જેને રશિયાએ પસંદગીપૂર્વક લાગુ કર્યું છે.


