બે વર્ષ બાદ શહેરમાં નવરાત્રીનું ઠેર-ઠેર આયોજન: નવ દિવસ મન ભરીને ગરબે ધુમશે ખેલૈયા
ખૈલેયાઓ અને વેપારીઓમાં જબરો ઉત્સાહ, ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, થ્રી સ્ટેપ સહિતના સ્ટેપ શીખતા ખેલૈયા
- Advertisement -
નવરાત્રીમાં રાત પડશે ને દિ’ ઉગશે: ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી માં જગદંબાની આરાધના કરશે, ઝળહળતા વાઘા પહેરી ખેલૈયાઓ ધરા ધ્રુજાવશે
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે અર્વાચીન ગરબા પર બ્રેક લાગી હતી. જો કે, ગયા વર્ષે પ્રાચીન ગરબા રાસોત્સવને છૂટ અપાઈ હતી. પરંતુ જ્યારે આ વર્ષે સરકાર દ્વારા તમામ છૂટ મળતા આયોજકો અને ખેલૈયાઓ હરખાઈ ગયા છે. છેલ્લા ત્રણ મહિનાઓ ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબે ઝૂમવા માટે દાંડિયા ક્લાસીસમાં પરસેવો પાડી રહ્યા છે. દર વર્ષે ખૈલેયાઓ અવનવા સ્ટેપ શીખતા હોય છે. ત્યારે આ વર્ષે પણ યુવાધન દાંડિયા ક્લાસમાં ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, થ્રી સ્ટેપ સહિતના સ્ટેપ શીખી રહ્યા છે. નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે. ખેલૈયાઓ મહિના પૂર્વેથી જ રાસ ગરબાના નવા નવા સ્ટેપ શીખવાની પ્રેકટીસ કરી રહયા છે. આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન થઇ રહયા છે. આથી ખૈલેયાઓ ગરબે ઘુમવા થનગની રહયા છે.
સિઝન પાસમાં 15થી 20 ટકાનો વધારો
ગત વર્ષ કરતા આ વર્ષે પાસના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. જેમાં ગત સિંગલમાં લેડિઝના પાસનો ભાવ 1000 થી રૂા. 1200 હતો જેના હાલ 1500 જેટલા થઈ ગયા છે. પુરૂષના પાસ 1500 થી 1700 થયા છે. કપલમાં પણ 3000 થી 3500 બોલાઈ રહ્યા છે.
- Advertisement -
ખેલૈયાઓ થાક્યા વગર દોઢ કલાક પ્રેક્ટિસ કરે છે: રેમો મુલિયાણા
ડ્રીમ્સ દાંડિયા ક્લાસીસના ઓનર રેમો મુલિયાણાએ ખાસ ખબર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું છેલ્લા 17 વર્ષથી દાંડિયા ક્લાસ ચલાવું છું. બે વર્ષ બાદ ગરબામાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ થાક્યા વગર દોઢ કલાક પ્રેક્ટિસ કરે છે. આ ઉત્સાહને અને જાળવી રાખવા માટે નવા-નવા સ્ટેપ અથવા ચાલુ સ્ટેપમાં નવીનતા લઈ આવ્યાં છીએ. જ્યારે દોઢિયામાં પણ ઘણી બધી સ્ટાઈલથી રમાડવામાં આવે છે. ફોર સ્ટેપમાં ચલતી, સિક્સ સ્ટેપમાં દોઢિયું અને છેલ્લે થ્રી સ્ટેપની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે.
અરે યાર ! સિઝન પાસનું તો કંઈક કરી દે…!!
આ વર્ષે ફરી એકવાર અરે યાર! સિઝન પાસનું કંઈક કરી આપના શબ્દો કાને સંભળાઈ રહ્યા છે. ગયા વર્ષે લોકોએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મિસ યુ નવરાત્રીના સ્ટેટસ મુક્યા હતા. જ્યારે આ વર્ષે પાસ માંગવા નીકળી ગયા છે. જે પોતાની જાતને રાણો સમજતો મિત્ર ગરીબડો થઈને પાસનું સેટીંગ કરી રહ્યા છે.
આ સ્ટેપ પર ખેલૈયાઓ ઝૂમશે
ફોર સ્ટેપ -તાલી રાસ
સિક્સ સ્ટેપ – રિવર્સ રાસ
ફ્રી સ્ટાઈલ સ્ટેપ – થ્રી સ્ટેપ
દોઢિયા – ફ્રી સ્ટાઈલ સ્ટેપ
ગોપાલા – ફ્રી સ્ટાઈલ સ્ટેપ
રંગીલો – ફ્રી સ્ટાઈલ સ્ટેપ