કાર્તિક મહેતા
સિંહ રાશિમાં મંગળ કેતુ યુતિને કારણે જ્યોતિષીઓએ અનેક અમંગળ ભવિષ્યવાણીઓ કરેલી, આવો યોગ અગ્નિ, ગરમી પેદા કરે છે
- Advertisement -
જ્યોતિષને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવું /માનવું તો અઘરું છે એટલે જ્યોતિષને સાઈડમાં મૂકીને જોઈએ તો કેટલાક સમયથી જગત ઉપર ગરમી, સંઘર્ષો, યુદ્ધો, હોનારતો, અકસ્માતોની રીતસર વર્ષા થઈ રહી છે. યુરોપે પોતાના ઇતિહાસનું સહુથી ગરમ વર્ષ અનુભવ્યું છે. યુરોપિયનોએ રીતસર પંખા, કૂલર વગેરે લેવા ધસારો કર્યો છે. પુલો તૂટી રહ્યા છે, રોડ અકસ્માતો વધતા જાય છે, હવાઈ યાત્રા પણ કેટલી સુરક્ષિત છે તે બાબતે આપણો આત્મવિશ્વાસ હમણાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાને કારણે હલબલી ગયો. આવી દુર્ઘટનાઓની હારમાળા સર્જાય ત્યારે માણસ એમાં કાઇક પેટર્ન જોવા પ્રયાસ કરે છે અને જ્યોતિષથી લઈને ભૌતિક શાસ્ત્ર સુધીના અભ્યાસ થકી આવી ઘટનાઓને મૂલવવા પ્રયાસ કરે છે. માણસનું મગજ બેઝિકલી એક વિચારો પેદા કરવાનું મશીન છે. પરંતુ, પ્રાણી મગજ હમેશા પ્રાણીઓને ભયભીત રાખે છે, અમંગળ વિચારો પેદા કરતું રહે છે. આવા વિચારો પ્રાણીને સાવચેત રાખે છે અને એને જીવિત રાખે છે. જ્યારે માણસનું મગજ સતત રમખાણો, દુર્ઘટનાઓ, ભ્રષ્ટાચાર, વગેરે સમાચારોને સતત ગ્રહણ કરે છે ત્યારે એનું પ્રાણીજ મગજ એક્ટિવ થઈ જાય છે. આથી ધર્મ, ભાષા કે જાતિને નામે ઉશ્કેરાયેલા માણસનો સ્વભાવ પ્રાણી જેવો ઝનૂની થઇ જાય છે.
આવા માણસો ઉપર ભ્રષ્ટાચારીઓ સરળતાથી શાસન કરી શકે છે. સમાજમાં વધતા દંભ દેખાડા સાથેના ભ્રષ્ટાચાર અને એને કારણે સતત થતી દુર્ઘટનાઓ એક માનસિક રીતે વિક્ષિપ્ત સમાજનું નિર્માણ કરે છે. લોકો ભૌતિક રીતે અતિ સુખી હોવા છતાં સુખની અનુભૂતિ કરી શકતા નથી. એમને કેફી દ્રવ્યો, દવાઓ, મનોરંજન માધ્યમો, ધર્મનો ઓવરડોઝ , અંધશ્રદ્ધાઓ અને ધાર્મિક ઝનૂનની સતત જરૂર પડે છે. આ વિષ ચક્રનો ભોગ અનેક વિકસિત દેશો બની ચુક્યા છે અને ભારત પણ આ વિષચક્ર નો ભોગ બનવાની કતારમાં ખડું છે. ભારત વિશ્વનો ટોચનો ડાયાબીટીક દેશ બની ગયો છે. ભારત બીજા અનેક રોગોનું હબ પણ બનવાનું છે એ નિશ્ચિત છે. વ્યક્તિગત રીતે આ વિનાશથી બચવું હોય તો યોગ અભ્યાસથી ઉત્તમ કશું નથી. યોગ અભ્યાસ માણસને એક પૂર્ણ માનવી બનાવી શકે છે.ખરેખર યોગ અભ્યાસ કરતો માણસ ભ્રષ્ટાચાર પણ આચરી શકે નહિ તે શક્ય છે. કેમકે, દુર્બળ, નિસ્તેજ, તામસી અને રોગી લોકો જ ભ્રષ્ટાચારી સમાજ બનાવે છે. ભ્રષ્ટ અને નાલાયક નેતાઓને ચુંટે છે. ધર્મ ભાષા પ્રદેશ કે જાતિને આધારે ભેદો ઊભા કરે છે. ઓવરઓલ સમાજની નૈતિકતા જ્યારે તળિયું પકડી રહી હોય ત્યારે યોગ અભ્યાસ થકી જળકમળવત્ સ્વસ્થ રહીને કર્મશીલ રહેવું શ્રેયસ્કર છે.યોગ ભલભલા ગ્રહયોગ સામે ટક્કર આપી શકે છે અને કેટલાયને સત્તાયોગથી વિમુખ કરી શકે છે.