જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં મોડી રાત્રે બોલી બઘડાટી
સિવિલમાં હુમલો થતા ડૉક્ટર સહિતનો સ્ટાફ હડતાલ પર ઉતર્યો
- Advertisement -
પોલીસે આઠેક શખ્સ સામે ફરિયાદ નોંધી આરોપીઓને રાઉન્ડઅપ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ યુનુશ હુશેનભાઈ ખત્રીનું સારવાર દરમિયાન મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું.જયારે યુનુશભાઈનું મૃત્યુ નિપજતા પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના લીધે મૃત્યુ થયું છે.અને આઠથી દશ પરિવારના સભ્યોએ બઘડાટી બોલાવી હતી અને ડોક્ટર સહીતના સ્ટાફ ઉપર મનફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સિવિલ હોસ્પિટલના ડો.અજય મનહર દુધભાતે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પરિવારના સભ્યોને રાઉન્ડ અપ કરી વધુ તપાસ શરુ કરી છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ નિપજતા મૃતકના પરિવારે ડોક્ટર સહીત સ્ટાફ સાથે ખરાબ વર્તન કરીને હુમલો કરતા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા અને ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ સહીત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને વાતાવરણ વધુ તંગ ન બને અને કાયદો વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફ પર હુમલાની ઘટના પગલે ડોક્ટર અજયના નિવેદનના આધારે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.
ડોક્ટર એટલે ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ જૂનાગઢની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જુનાગઢના સરકારી હોસ્પિટલમાં ફરજ નિભાવતા તબીબ પર દર્દીના સગાએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના પાછળનું કારણ હતું કે સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થયું હતું જોકે દર્દીના સગાઓએ આક્ષેપ કર્યો હતો કે સારવાર દરમિયાન ઇન્જેક્શન આપવાથી મૃત્યુ થયું છે. અને આ વાતને લઈને દર્દીના સગા અને ફરજ પરના તબીબો સાથે ઘર્ષણ થયું હતું બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને મેડિકલ સ્ટાફ દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને મેડિકલ કામગીરીથી વંચિત રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે મહત્વનું એ છે કે ઈમરજન્સી સારવાર આપીને કોઈપણ દર્દીને કે તેમના સગાને તકલીફ ન પડે તેની પણ કાળજી રાખવામાં આવી હતી. ક્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે માં સિવિલ હોસ્પિટલ તો બનાવવામાં આવી છે પરંતુ પૂરતી સિક્યુરિટી અને મહેકમના અભાવે અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોની પણ માંગ છે કે દર્દીઓને સારવાર આપતા હોય તે દરમિયાન તેઓને પણ પૂરતી સલામતી મળે તે માટેની ન્યાયિક પ્રક્રિયા હાથ કરવામાં આવી જોઈએ.