વિશેષ લેખ : સ્વાતિ રાવલ, જેન્સી સોલંકી
ઓવર થિન્કિંગને સાદી સરળ ભાષામાં કહીએ તો વિચારવાયુ એટલે કે આપણા મગજમાં આવતા સતત નાના-મોટા વિચારો, જેમ કે કોઈ એક વાત, એક પ્રશ્ર્ન કે એક ઘટનાથી શરૂ થઈને અનેક નવા પ્રશ્ર્નોની માયાજાળ રચાય છે. જાણે માછીમાર માછલી પકડવા માટે જાળ પાથરે છે અને માછલીઓ તેમાંથી છૂટવા માટે સંઘર્ષ કરે છે એમ એકવાર માણસ વિચારવાનું શરૂ કરી દે તો તે વિચારોની જાળમાં એવો ફસાઈ જાય છે કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ઓવર થિન્કિંગ એ બીજું કંઈ નહીં પરંતુ ભૂતકાળની યાદો અને ભવિષ્યના ભયનું વંટોળિયું, જે માણસના વર્તમાનને ઝાંખુ બનાવી દે છે. જેમ કે ‘વરસાદ ન પડે તો પાક બગડે, પણ વધારે વરસાદ પડે તો પણ પાકને નુકસાન થાય. એ જ રીતે વિચાર કરવો સારો છે પણ એક હદ પછી તે નુકસાનકારક બની જાય છે.’
ઓવર થિન્કિંગ દરમિયાન માણસને મુંઝવતાં પ્રશ્ર્નો જન્મે છે
‘મારૂં પ્રેઝન્ટેશન સારૂં નહીં જાય તો?’
‘પરિણામ સારૂં ન આવ્યું તો?’
‘મને સારી નોકરી નહીં મળે તો.’
‘મારા ધ્યેય સુધી પહોંચી શકીશ નહીં તો?’
આવા પ્રશ્ર્નોનો ઉકેલ વિચારવામાં નહીં, પરંતુ કાર્ય કરવામાં છે. જો તમે સારી તૈયારી કરો, મહેનત કરો અને એક સારૂં પ્રેઝન્ટેશન આપો તો પછી નિર્ણય તમારા હાથમાં નહીં, પરંતુ તમારા બોસના હાથમાં રહેશે. સતત વિચારોમાં ફસાઈ રહેશો તો સમસ્યા વધશે, પરંતુ ઉકેલ તરફ જશો તો સમસ્યા ઘટશે.
રાતે સૂતા જ જેમ રેડિયોમાં કેસેટ આપમેળે ચાલુ થઈ જાય એમ મગજમાં વિચારોનો પ્રવાહ શરૂ થઈ જાય છે. એવા સમયે ‘મ્યૂટ બટન’ દબાવતાં શીખવું જોઈએ, એટલે કે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે તમારા ધ્યેય સાથે જોડાઈ જશો ત્યારે આ બિનજરૂરી વિચારો આપમેળે મ્યૂટ થઈ જશે. ઓવર થિન્કિંગ એટલે ચાવી વગરનું તાળું,એવા પ્રશ્ર્નો જેનો ઉકેલ આપણને તરત મળતો નથી. પણ શું ક્યારેય એવું તાળું બન્યું છે જેની ચાવી જ ન બની હોય? દરેક પ્રશ્ર્નોનો ઉકેલ છે. ફક્ત વિચારની દિશા બદલવાની જરૂર છે.
સૌથી વધુ ઓવર થિન્કિંગથી પીડાતી પેઢી હોય તો એ છે Generation z આજની યુવા પેઢી જે ખૂબ જ સક્ષમ છે અને ખૂબ જ ટેકનોલોજીની દુનિયામાં આગળ છે પરંતુ કોઈ ને કોઈ રીતે ઓવર થિન્કિંગનો વાયરસ તેમને લાગી ગયો છે અને આ વાયરસથી બચવા માટે એમને Real world નામની રસી મૂકાવી પડશે. ઓવર થિન્કિંગ એક એવી ઈમેજીનેશનની દુનિયા છે, જ્યાં લોકો ઘણા બધા પ્રશ્ર્નો અને વિચારોની ગૂંથી સુલજાવાની કોશિશ કરતાં હોય છે જે તેમને છયફહ Real worldથી કોશો-કોશો દૂર હોય છે.
વિદ્યાર્થી જીવનમાં અતિચિંતન ખાસ કરીને પરીક્ષા સમયે વધુ દેખાય છે.
‘જો હું નિષ્ફળ જઈશ તો શું?’
‘મારા માતા-પિતા શું કહેશે?’
‘બીજાઓ કરતાં હું પાછળ રહી જઈશ?’
આવા પ્રશ્ર્નો મનમાં ઉથલપાથલ મચાવે છે અને આત્મવિશ્ર્વાસને ખાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે સફળતા તે જ વ્યક્તિ મેળવે છે જે પોતાના વિચારો પર નિયંત્રણ શીખી જાય છે.
અતિચિંતનથી ઉકેલ નહીં મળે, ઉકેલ મળે છે ક્રિયાથી. જ્યારે આપણે વિચારોને દિશા આપીએ, ત્યારે જ મન શાંત રહે છે અને શક્તિ વધે છે.
અરે યુવાન!
આ આનંદના જીવનમાં ન કર વધુ વિચાર,
જેમાં તું ખોવી બેઠો આજનો વર્તમાન
શું હતું ભૂતકાળ, કે શું હશે ભવિષ્યકાળ?
ચાહે જે પરિસ્થિતિમાં તું છે હાલ,
તેમાંથી જ બને છે જીવનની તાલ.
તો ઉઠ! લે હથિયાર હિંમતનો, વિશ્ર્વાસનો,
અને કરી દે જીવનની જંગનો એલાન!



