18 વર્ષના થયા પછી રતિએ ભાગી જઈને ઝિણા સાથે લગ્ન કરી લીધા અને મુસ્લિમ ધર્મ અંગિકાર કરીને મરિયમ બની ગયા
શાહનામા
– નરેશ શાહ
ભવિષ્ય બીજું કશું જ નથી, માત્ર ભૂતકાળનું પુનરાવર્તન છે એવી એક વ્યંગ વ્યાખ્યા આમ જુઓ તો રપમી ડિસેમ્બરે (1876) જન્મેલાં પાકિસ્તાનના સર્જક કાયદે આઝમ મોહમ્મદઅલી ઝિણાની અંગત લાઈફને તો બરાબર લાગુ પડે છે. કાયદે આઝમના પત્ની સાથે તેમના પિતાએ જે કરેલું એવું જ કાયદે આઝમે ખુદ પોતાની પુત્રી સાથે કરવું પડયું હતું. વિગતે વાત કરતાં પહેલાં એ કહેવું જરૂરી છે કે ઝિણા સાથે ભલે કાઠિયાવાડના મોટી પાનેલીનું નામ સંકળાયેલું હોય પણ તેમનો જન્મ (ભારતીય) કરાંચીમાં થયો હતો અને આખરી શ્ર્વાસ પણ તેમણે (પાકિસ્તાની) કરાંચીમાં લીધા હતા. મોટી પાનેલીમાં તો કાયદે આઝમના દાદા પુંજાભાઈ ઠક્કર રહેતા હતા અને એક દિવસ ઘરમાં બધાની જાણ વગર પડોશી આદમજી ખોજા સાથે રાજકોટ જઈને આગાખાની ઈસ્લામ ધર્મ અંગિકાર કરી લીધો હતો. ઝિણા પરના અનેક પુસ્તકોમાં ઉલ્લેખ છે તેમ, પુંજાભાઈ ઠક્કરના ઘરમાં ત્યારે ધમાલ મચી ગઈ હતી. કહે છે કે, ત્રણ દિવસ સુધી તેમના ઘરમાં ચૂલો પણ સળગ્યો નહોતો. ઝિણાભાઈનો જન્મ મોટી પાનેલીમાં થયો અને મિઠ્ઠુબાઈ સાથેના લગ્ન પછી ઝિણાભાઈ પુંજાભાઈ કરાંચી આવી ગયા. કરાંચીના વજીર મેન્શન માં ઝિણાનો જન્મ થયો. પિતાનું નામ જ પછીથી તેમની સરનેમ જેવું બની ગયું : મોહમ્મદઅલી ઝિણા. માતા-પિતા તેમને ઘરમાં મામદ કહેતા.
- Advertisement -
ઝિણાને પિતાના એકમાત્ર બહેન (ફોઈ) માનબાઈ મુંબઈ લાવ્યાં. એ પછી તેઓ (1893માં) લંડન ગયા પણ એ પહેલાં મામદના નિકાહ એમિબાઈ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. ત્રણ વરસ પછી ઝિણા હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે પત્ની એમિબાઈનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું હતું અને પિતા ધંધેથી ઘસાઈ ગયા હતા. એ જ વરસે મુંબઈ આવીને વકીલાત શરૂ કરનારા ઝિણાને અંગે્રજોની નીતિરીતિ, ભારતનું શોષણ, આઝાદીની લડત અને વકીલાતમાં રસ પડવા લાગ્યો અને મુંબઈના ઉચ્ચ વર્ગના લોકો સાથેના તેમના સંપર્ક પણ વધી ગયા. આવા જ એક પ્રતિષ્ઠિત પારસી ઉદ્યોગપતિ દિનશા પેટિટના ઘેર તેમનું આવવા-જવાનું રહેતું. પેટિટ પરિવાર સાથે 1916માં તેઓ દાર્જીલિંગ ગયા ત્યારે તેઓ દિનશા પેટિટની ઓન્લી ચાઈલ્ડ રતનબાઈના પ્રેમમાં પડી ગયા. રતિ તરીકે જાણીતા રતનબાઈ પણ ઝિણા જેટલાં જ ફોરવર્ડ, મોર્ડન અને લેવિસ લાઈફ સ્ટાઈલમાં માનનારા હતા. તકલીફ એક જ હતી. રતિની ઉંમર સોળ વરસ હતી અને ઝિણા ચાલીસ વરસના. સસરા કરતાં માત્ર ત્રણ વરસ નાના.
રતિ અને ઝિણા એકબીજાને પસંદ કરવા લાગ્યા એ પછી જ ઝિણાને એ અનુભવ થયો કે આદર્શો હંમેશા સામેવાળા માટે યા તો બોલવા માટે જ હોય છે. સામાજીક જાગૃતિ અને ચેતના અને એક્તા માટે એ દિવસોમાં જ દિનશા પેટિટના ઘેર એક મિટિંગ હતી. ઝિણાએ તેમાં વિધર્મી અને વિભિન્ન ધર્મીઓ વચ્ચેના વિવાહની વાત છેડી તો દિનશા પેટિટનો જવાબ હતો કે, આ તો રાષ્ટ્રીય એક્તાનું કામ કરે અને કોમી ટકરાવને ટાળે એ માટેનું આદર્શ પગલું જ ગણાય. બસ, દિનશાજીનો આ જવાબ સાંભળીને હિંમતપૂર્વક ઝિણાએ રતિ સાથેના લગ્નની વાત મૂકી દીધી. દીનશા પેટિટ ભડકી ગયા. સંબંધો જ પૂરા થઈ ગયા. એ હદ સુધી દિનશાજી અને ઝિણાના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું કે લગભગ બાર વરસ પછી તેમણે ઝિણા સાથે માત્ર એક જ વખત વાત કરી. ઝિણા ત્યારે દિલ્હી હતા. દિનશાએ તેમને ફોન કરીને કહેલું કે, હવે રતિ નથી રહી
ઝિણાએ દીકરી રતિનો હાથ માંગ્યો ત્યારે છંછેડાઈ ગયેલાં દિનશા પેટિટે તમામ પેરેન્ટસ-પેંતરા કરી લીધા હતા. ત્યાં સુધી કે કોર્ટમાંથી એવો હુકમ પણ લાવ્યા કે ઝિણા પણ રતિને ન મળી શકે. આવું શક્ય એટલે બન્યું કે રતિ ઉર્ફે રતનબાઈ ત્યારે માત્ર સોળ વરસના હતા. જો કે અઢાર વર્ષના થયા પછી રતિએ ભાગી જઈને ઝિણા સાથે લગ્ન કરી લીધા અને મુસ્લિમ ધર્મ અંગિકાર કરીને મરિયમ બની ગયા. 1919માં રતિએ દીકરીને જન્મ આપ્યો, જેનું નામ દીના પાડવામાં આવ્યું. જો કે રતિ-ઝિણાનું દામ્પત્ય જીવન ત્યાર પછી માત્ર દશ વરસ ટક્યું કારણકે 19ર9માં માત્ર ર9 વરસની ઉંમરે રતિનું અવસાન થઈ ગયું . છેલ્લાં એક વરસથી તેઓ ઝિણાથી અલગ થઈને તાજ હોટેલના સ્યૂટમાં જ રહેતા હતા. રતિને પણ (ઝિણાની જેમ) ટીબી થયો હતો. પેરિસ જઈને તેમની સારવાર કરાવવામાં આવી પણ કારગત ન નીવડી. રતિ અને ઝિણાના નાના બહેન ફાતિમાને ભળતું નહોતું એમ પણ કહેવાય છે. એમ તો અલગ થયા પછી ઝિણાના જ ગુજરાતી મિત્ર-સામાજીક આગેવાન કાનજી દ્વારકાદાસ રતિના એટલા વિશ્ર્વાસુ અને અંગત બની ગયા હતા કે રતિના અવસાનનો ખરખરો એની બેસન્ટ, સરોજિની નાયડુ અને જે. કૃષ્ણમૂર્તિ જેવા દિગ્ગજોએ તેમની પાસે કરેલો. કાનજી દ્વારકાદાસે રતિ ઝિણા પર એક નાનું પુસ્તક પણ લખ્યું હતું.
- Advertisement -
રતિના ગયા પછી ઝિણા બહેન ફાતિમા અને પુત્રી દીના સાથે લંડન શિફટ થઈ ગયા હતા પણ મુસ્લિમ આગેવાન લિયાક્ત અલી ખાન તેમને ફરી ભારત લાવ્યા 1934માં. એ પછી દીનાના કોન્ટેકટ નાના- નાની સાથે વધી ગયા. ફોઈ ફાતિમા સાથે તેને પણ જામતું નહોતું એવું ઝિણાના ડ્રાયવર મુહમ્મદ આઝાદ પોતાના ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા હતા. પેટિટ કુટુંબમાં જ દીનાનો પરિચય નેવિલ વાડિયા સાથે થયો. ઝિણા ત્યારે મુસ્લિમ લીગના આજીવન અધ્યક્ષ્ા બની ગયા હતા… પુત્રી દીનાએ જયારે ઈસાઈ ધર્મ પાળતાં પારસી નેવિલ વાડીયા સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે ઝીણાએ કહ્યું : હિન્દુસ્તાનમાં તારે લાયક લાખો મુસ્લિમ યુવકો છે, તું તેમાંથી કોઈપણ પસંદ કરી શકે છે.
….પણ દીના રતનબાઈ અને ઝિણાનું જ લોહી હતું. એ રતનબાઈ જેવી જ મોર્ડન ખ્યાલ અને મક્કમ હતી તો પિતાની જેમ જ જીદ્દી અને દ્રઢ નિશ્ર્ચયી હતી. તેણે નેવિલ સાથે જ લગ્ન ર્ક્યા. ઝિણાએ તેની સાથે ત્યાર પછી કોઈ ખાસ સંબંધ ન રાખ્યાં. પત્રમાં પણ ઝિણા પુત્રી દીનાને મિસિસ વાડીયાનું જ સંબોધન કરતાં હતા. પિતાના વિરોધનાં આ પુનરાવર્તનમાં પોએટિક જસ્ટીસનો બીજો છેડો વિસરાઈ જાય છે કે, ઝિણા જેના માટે ઈતિહાસમાં અમર થઈ ગયા એ પાકિસ્તાનમાં રહેવાની બદલે તેના એકમાત્ર પુત્રી દીનાએ આજિવન હિન્દુસ્તાનમાં જ રહેવાનું પસંદ ર્ક્યું હતું.