ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની કોર્ટ દ્વારા 3,00,000ના ચેક રિટર્ન કેસમાં આરોપી મિલન મનોજભાઈ કતીરાને એક વર્ષની કેદની સજા સાથે ચેકની રકમ છ ટકા વ્યાજ સાથે ફરિયાદીને વળતર ચૂકવવા હુકમ ફરમાવ્યો છે. આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે ફરિયાદી જયેશભાઈ જગમલભાઈસાટીયા તથા આરોપી મિલન મનોજભાઈ કતીરા બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હોય આરોપીએ ફરિયાદી પાસેથી હાથ ઉછીના રૂા. 3,00,000 લીધેલા હતા. બાદ આ રકમની માગણી કરતાં આરોપીએ રૂા. 3,00,000નો ચેક લખી આપ્યો હતો. જે ચેક ફંડ ઈન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત ડીમાન્ડ નોટીસ પાઠવેલી છતાં રકમની ચૂકવણી ન કરતાં રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. બાદ કેસ ચાલી જતાં કેસ દલીલ ઉપર આવતા ફરિયાદીના એડવોકેટ હિતેષ આર. ભાયાણી સુપ્રીમ કોર્ટ તથા અલગ અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કરી ફરિયાદીએ પોતાનું કાયદેસરનું લેણુ સાબિત કરેલું હોય તેમજ બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજૂ રાખી શકેલા ન હોય તે ધ્યાને લઈ આરોપીને સજા કરવા રજૂઆત કરી હતી. ફરિયાદ પક્ષે થયેલી રજૂઆત ધ્યાને લઈ રાજકોટના એડિ. ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટે આરોપી મિલન મનોજભાઈ કતીરાને દોષિત ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે 3,00,000 એક માસમાં છ ટકા વ્યાજ સહિત ચૂકવે અને વળતર ન ચૂકવે તો વધારાની ત્રણ માસની સજાનો હુકમ ફરમાવેલો છે. આ ફરિયાદી વતી એડવોકેટ તરીકે હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા તેમજ લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા તથા રોનિત ભાયાણી રોકાયા હતા.