સંસદમાં ગઈકાલે ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. સંસદ શરૂ થતાની સાથે પક્ષ વિપક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો. જ્યાં વિપક્ષી સાંસદોએ બિહારના વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને અન્ય મુદ્દાઓ પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભા અને રાજ્યસભામાં હોબાળાને કારણે બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓને વેગ આપ્યો. ધનખડે આરોગ્યના કારણો દર્શાવી રાજીનામું આપ્યું, જેના પગલે રાજ્યસભાની કાર્યવાહીનું સંચાલન ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે કર્યું હતું.
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષે બિહારના વોટર લિસ્ટના મુદ્દે અને પહેલગામ તેમજ ઓપરેશન સિંદૂર જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર જોરદાર હોબાળો મચાવ્યો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ સહિત અનેક સાંસદોએ સંસદ ભવનના મકર દ્વાર પર સૂત્રોચ્ચાર કર્યા. આ હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભા બંને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સોમવારે પણ વિપક્ષે આ મુદ્દાઓ પર ચર્ચાની માગણી સાથે આવો જ વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે લોકસભા ચાર વખત સ્થગિત થઈ હતી.
- Advertisement -
સોમવારે રાત્રે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, જેના કારણે તેઓ મંગળવારે રાજ્યસભાની કાર્યવાહીમાં હાજર રહ્યા ન હતા. તેમની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે રાજ્યસભાનું સંચાલન સંભાળ્યું. ધનખડે સોમવારે રાજ્યસભામાં અધ્યક્ષ તરીકે ભાગ લીધો હતો અને એક ભાષણ પણ આપ્યું હતું, પરંતુ તેમણે રાજીનામાનો કોઈ સંકેત આપ્યો ન હતો. તેમના આકસ્મિક રાજીનામાએ રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા કર્યા છે.
સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, સંસદ ભવનમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડા સહિત અન્ય પ્રધાનો પણ હાજર રહ્યા. આ ઉપરાંત, I.N.D.I.A. ગઠબંધનના નેતાઓએ પણ એક અલગ બેઠક યોજાઈ હતી. આ બેઠકો રાજકીય તણાવ અને વિપક્ષના વિરોધના સંદર્ભમાં મહત્વની ગણાય છે, જે સંસદની કાર્યવાહીને વધુ જટિલ બનાવી શકે છે.
- Advertisement -