ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરના યાજ્ઞિક રોડ પર ગઇકાલે સાંજના સમયે બે યુવાને અન્ય એક યુવાન પર પથ્થર વડે હુમલો કરી એકબીજા સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ અંગે અત્યારસુધીમાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. મારામારી થતાં જ આસપાસમાંથી લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. રૂપિયાની લેતીદેતી મામલે ત્રણેય યુવાનો મારામારી પર ઊતરી આવ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ચંદુભાઇ ભેળવાળાની દુકાન નજીક સાંજના સમયે બેથી ચાર લોકો બેઠા અને અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. બાદમાં એકબીજા સાથે ઝપાઝપી કરી હતી અને પથ્થર ઉપાડી મારવા માટે કોશિશ કરી હતી. જોકે સામેવાળી વ્યક્તિએ પણ પ્રતિકાર કર્યો હતો અને બંને યુવાન પર તૂટી પડ્યો હતો અને માર મારવા લાગ્યો હતો.
- Advertisement -
આ મારામારીની ઘટનામાં રૂપિયાની લેતીદેતી કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. વાઇરલ વીડિયો અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ રાજકોટના રેસકોર્સ રોડ પર રૂપિયાની લેતીદેતી મામલે મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.