એક કિલોનો ભાવ 500 રૂપિયાએ પહોંચ્યો
ખાસ-ખબર સંવાદદાતા
માં શક્તિનો મહાપર્વ નવરાત્રી આજે અંતિમ નવમું નોરતું છે. આવતી કાલે અસત્ય પર સત્યના વિજય એવા દશેરા પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ માટે ઠેરઠેર રાવણના પૂતળાંનું દહન કરી શાનદાર ઉજવણી કરાશે. જે પ્રસંગે શહેર-જિલ્લામાં સ્વાદરસિકો રૂ.10 થી 12 કરોડના ફાફડા જલેબીની જયાફત ઉડાવશે. શહેરમાં દશેરાના પર્વ પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણના વેપારીઓની સાથે સાથે મંડપ બાંધીને ફાફડા-જલેબીના સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે.
દશેરા પર્વ શહેરના સ્વાદરસિકો ફાફડા જલેબીની જયાફત ઉડાવતા હોય છે. ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબીની ખરીદી માટે વહેલી સવારથી જ સ્વાદરસિકોની કતારો લાગી જાય છે. ફાફડા જલેબીના સ્વાદના શોખીનોને ધ્યાને લઈને જ ફરસાણના વેપારીઓની સાથે સાથે મંડપ બાંધીને સ્ટોલ ઉભા કરીને પણ ઘણાં લોકો સ્પેશિયલ દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. લાખો ગ્રાહકોને પહોંચી વળવા માટે ફાફડા અને જલેબી માટે અલગથી મંડપ ઉભા કરી હજારો સ્ટોલ લાગે છે અને દશેરાના દિવસે શહેરીજનો રૂ. 10 થી 12 કરોડોના ફાફડા જલેબી આરોગી જાય છે.
- Advertisement -
મોંઘાભાવના ફાફડામાં સૌરાષ્ટ્ર-કાઠિયાવાડનું પ્રખ્યાત શુદ્ધ બેસન (ચણાનો લોટ), બ્રાન્ડેડ સિંગતેલ, અજમો હિંગ સહિતના દ્રવ્યોનો સપ્રમાણ ઉપયોગ કરાય છે. શુદ્ધતા-સાત્વિકતાથી તૈયાર કરાતા ફાફડા-જલેબીનો 1 કિલોનો ભાવ રૂ.500 છે. આ સાથે ગ્રાહકોને ઉત્સવની ઉજવણીમાં ઉમળકો વધે એ માટે પપૈયું, મરચા સહિતની ચટણી આપવામાં આવે છે. બીજી તરફ કેટલાક ફરસાણના વેપારીઓ વધુ નફાખોરી કરવા સફાઈના કે પછી લોકોના આરોગ્યને લગતા તમામ નિયમોને નવે મૂકી દેતા હોય છે. આવા વેપારીઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે.
દશેરા પર્વ પર ફાફડા અને જલેબીના વેપારીઓ પર પાલિકાનું ફુડ વિભાગ બાજનજર રાખી રહ્યું છે. ઘણીવાર ફરસાણના વેપારીઓ વધુ નફાખોરી કરવા એક જ તેલમાં વારંવાર ફરસાણ બનાવતા હોય છે. જેની ચકાસણી કરવા ખાસ મશીન દ્વારા તેલનું ટોટલ પોલાર કાઉન્ટ ચેક કરવામાં આવી રહ્યું છે.