લોકસભા ચૂંટણી પહેલાં ચાર દિવસ આખા ગુજરાતમાં કાર્યક્રમો
બનાસકાંઠાના લાખણીમાં 4 કિ.મી. લાંબા રન-વે પર ઉતરાણ કરે તેવી શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા 22મી ફેબ્રુઆરીથી ત્રણ કે ચાર દિવસમાં સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરશે. 22 ફેબ્રુઆરીએ તેઓ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, પશુપાલકો, ખેડૂતોના સંમેલનને સંબોધશે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- ૠઈખખઋના 50 વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે આ આયોજન ચાલી રહ્યાનું જાણવા મળ્યુ છે.
22 ફેબ્રુઆરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસનો આરંભ બનાસકાંઠાના લાખણી તાલુકામાં એરફોર્સ દ્વારા તૈયાર કરાયેલા 4 કિલોમીટર લાંબા રન-વે ઉપર ઉતરાણ કરે તેવી શક્યતા છે. જેના માટે વહીવટી તંત્ર તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે તૈયારીઓ આરંભી છે. લાખણીમાં તૈયાર થયેલો રન-વે એ દેશના સૌથી મોટા રન-વે પૈકીનો એક છે. આ દિવસે તેઓ વિસનગરના તરભ વાળીનાથમાં યોજનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં યોજનારા એક લાખ દુધ ઉત્પાદકોના સમારોહમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. બાદમાં સુરતમાં એક કાર્યક્રમ આયોજન હેઠળ હોવાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યું કે, 23 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશનાના વારાણસીમાં બનાસ ડેરીના કાર્યક્રમમાં સામેલ થશે. તા.24 અને 25 ફેબ્રુ.એ જામનગર, દ્વારકા અને રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં વિશાળ જનસભાઓને સંબોધન કરશે.