ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશની હાર : પીડા પાકિસ્તાનને, ટુર્નામેન્ટમાંથી ફેંકાયુ
બાંગ્લાદેશ સામે કિવીઝનો પાંચ વિકેટે વિજય : રચિન રવિન્દ્રની સદી : ગ્રુપમાં હવે પાકિસ્તાન – બાંગ્લાદેશ ‘આઉટ’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
ચેમ્પિયન્સ ટ્રોફીનાં મહત્વના મેચમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટે સજજડ હાર આપી હતી. આ સાથે ટુર્નામેન્ટમાંથી યજમાન પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ પણ ફેંકાઈ ગયુ છે અને ભારત તથા ન્યુઝીલેન્ડનું સેમીફાઈનલમાં સ્થાન પાકુ થઈ ગયુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને બે-બે મેચ જીતવા સાથે ચાર-ચાર પોઈન્ટ ધરાવે છે. ન્યુઝીલેન્ડની રનરેટ સારી હોવાથી પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.જયારે ભારત બીજા ક્રમે છે. પાકિસ્તાન તથા બાંગ્લાદેશ તેના બન્ને મેચ હારી ગયુ છે. ગ્રુપ સ્ટેજનાં ન્યુઝીલેન્ડ સામેનાં મેચમાં પ્રથમ દાવ લેવા મેદાન પર ઉતરેલુ બાંગ્લાદેશ નિર્ધારીત 50 ઓવરમાં માત્ર 236 રન જ કરી શકયુ હતું. ન્યુઝીલેન્ડનાં બોલર બ્રેસવેલે કારકીર્દીની સર્વશ્રેષ્ઠ બોલીંગ સાથે 26 રનમાં ચાર વિકેટ ખેડવીને બાંગ્લાદેશનો રકાસ સર્જયો હતો.બાંગ્લાદેશ વતી કપ્તાન શાંતોના 77 તથા જાકીરનાં 45 રનને બાદ કરતા અન્ય કોઈ ખેલાડી ઝીંક ઝીલી શકયા ન હતા.237 રનના વિજય લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડે પ્રથમ બે વિકેટ માત્ર 15 રનમાં ગુમાવી દીધી હતી. યંગ શુન્ય તથા વીલીયમ્સન 5 રને આઉટ થતાં મેચમાં રોમાંચ સર્જાયો હતો પરંતુ રચીન રવિન્દ્ર તથા કોન્વેએ બાજી સંભાળી લીધી હતી. જુમલો 72 પર પહોંચ્યો ત્યારે કોન્વે પણ 30 રને આઉટ થયો હતો.
ત્યારબાદ રચીન સાથે જોડાયેલા લેથમ ચોથી વિકેટમાં 129 રનની ભાગીદારી નોંધાવીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. રચિને 112 રન ઝુડયા હતા.105 દડામાં 12 ચોકકા તથા એક છગ્ગા સાથે આ સ્કોર કર્યો હતો. લેથમ 55 રન બનાવીને આઉટ થયો હતો. ફીલીપ્સ તથા બ્રેસવેલે જરૂરી રન બનાવીને 46.1 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશ સામેનાં મેચમાં 10 ઓવરમાં માત્ર 26 રન આપીને ચાર વિકેટ ખેડવનાર બ્રેસવેલે કેરીયરની સર્વશ્રેષ્ઠ બોલીંગ કરી હતી અને બાંગ્લાદેશને નિયંત્રણમાં રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેરીયરમાં બીજી વખત ચાર વિકેટ મેળવી હતી. તેણે 28 મેચોમાં કુલ 31 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડનાં અનુભવી વિકેટ કીપર કમ બેટસમેન ટોમ લેથમે વન-ડે કેરીયરની 26 મી ફીફટી લગાવી હતી. 154 માં મેચમાં 26 મી અર્ધસદી કરી હતી.ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રથમ ફીફટી હતી.કેરીયરમાં તેણે અત્યાર સુધીમાં 4329 રન બનાવ્યા છે આઠ સદી પણ ફટકારી છે.