ભરત અલગોતરનું ગેરકાયદે રહેણાંક મકાન તોડી પાડવાની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
- Advertisement -
થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કોલસાના ગેરકાયદેસર ખાણો પર કાર્યવાહી કરવા ગયેલી મામલતદાર સહિતની સરકારી ટીમ પર ખનિજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નાયબ મામલતદારને ઈજાઓ પહોંચતા મામલો ગંભીર બન્યો હતો. ઘટનાને પગલે નાયબ મામલતદાર દ્વારા કુખ્યાત ખનિજ માફિયા ભરત અલગોતર સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ બનાવ બાદ અન્ય બે ખનિજ માફિયાઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, જ્યારે મુખ્ય આરોપી ભરત અલગોતર હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેણાક મકાન બાંધી રહેલા ભરત અલગોતર સામે તંત્રએ હવે કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી ભરત અલગોતરના ગેરકાયદેસર રહેણાક મકાનને આગામી તારીખ 7 જાન્યુઆરીના રોજ તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ પ્રાંત અધિકારી સહિતની ટીમ મકાન તોડી પાડવા પહોંચી હતી, પરંતુ થાનગઢ ભાજપ શહેર પ્રમુખની દખલગીરીના કારણે તંત્રને પરત ફરવું પડ્યું હતું. હવે ફરી એકવાર તંત્ર તૈયારી સાથે મેદાને ઉતર્યું છે. ત્યારે આ વખતે ખનિજ માફિયાના ઘર બચાવવા માટે કોઈ રાજકીય દખલગીરી થાય છે કે કેમ, તે મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. તંત્રની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.



