યુરિનલના નામે લૂંટ બંધ: ફ્રી સેવાના મુસાફર દીઠ રૂા. 5થી 10 લેતા કોન્ટ્રાકટરને 3 નોટિસ ફટકારી 30 હજારનો દંડ કર્યો, યુરિનલ ફ્રીના બોર્ડ મૂકાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ એસ.ટી.નાં બસપોર્ટનાં યુરિનલમાં લોકો પાસેથી 5થી 10 રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હોવાની ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિની ફરીયાદના પગલે રાજકોટ એસ.ટી.નાં વિભાગીય નિયામકે તાત્કાલીક તપાસ કરાવી બસપોર્ટનાં સંચાલક સાયોના ગ્રુપને 3 વખત નોટીસ ફટકારી અને 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું. જેનાથી હવે બસપોર્ટ ઉપર આવતા મુસાફરો પાસેથી યુરીનલના નામે ચાર્જ લેવાની લૂંટ બંધ થઈ છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ ખાતે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા આજે સાંજે 7થી 7:30 વચ્ચે સાઇટ વિઝિટ કરતા એસ.ટી બસપોર્ટના બંને યુરીનલમાં ઉઘાડી લૂંટ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું અને ખાસ કરીને મહિલા યુરિનલોમાં 5થી 10 પડાવવામાં આવતા હતા. કાયદેસર યુરિનલ માટે નિ:શુલ્ક સેવા છે. તેમ છતાં રૂપિયા 5થી 10 લેવામાં આવી રહ્યા હતા. આ અંગે બસ સ્ટેન્ડ ઇન્ચાર્જનું મૌખિક ધ્યાન દોરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ લેખિત ફરિયાદ કરી હતી.
યુરિનલ ફ્રી સેવા છે એ પ્રકારના બોર્ડ હોવા ફરજીયાત છે. પરંતુ તે પ્રકારના બોર્ડ કોન્ટ્રાક્ટર દ્વારા ઉખાડીને ફેંકી દેવાયા હતા. આ સાથે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરેલી ફરિયાદ બાબતે તાત્કાલિક નિયમાનુસાર દંડનીય કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત પણ થઈ હતી. જોકે, એસટીના વિભાગીય નિયામક દ્વારા કોન્ટ્રાક્ટરને ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી છે અને સાથે જ રૂપિયા 30,000નો દંડ પણ ફટકાર્યો છે અને શૌચાલય તથા યુરીનલની બહાર બોર્ડ મૂકવામાં આવ્યું છે કે યુરિનલ ફ્રી છે.