FIR નોંધવામાં પોલીસના ઠાગાઠૈયા
તપાસમાં અલગ-અલગ 8 ખાનગી સ્કૂલના સર્ટિફિકેટ મળ્યાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગત 5 જુલાઈના રોજ રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વિઝિટ દરમિયાન પિપળિયા ગામમાંથી અંગ્રેજી માધ્યમની બોગસ સ્કૂલ મળી આવી હતી. એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ છેલ્લા 6 વર્ષથી ધમધમી રહી હતી. આ બોગસ સ્કૂલમાં અન્ય આઠ ખાનગી સ્કૂલની પણ સંડોવણી બહાર આવી હતી. ઘટનાના 15 દિવસ બાદ પણ પોલીસ દ્વારા એકપણ સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ત્યારે પોલીસ આ મામલે ભીનું કેમ સંકેલી રહી છે, તે સવાલ ઉદભવી રહ્યો છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગત 12 જુલાઈના રોજ કુવાડવા પોલીસ પથકને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા ઋઈંછ નોંધવામાં આવી નથી. બીજી તરફ કુવાડવા પોલિસ મથકના ઙઈંએ જણાવ્યું હતું કે, હું 2 દિવસ પહેલા જ હાજર થયો છું. મારા પહેલાના પીઆઈ સમક્ષ અરજી આપેલી હતી. અરજીમાં અમુક વિસંગતતાઓ છે. રાજકોટ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી મળેલી માહિતી મુજબ, વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ ન આપવાની ફરિયાદના આધારે 5 જુલાઈના કાત્યાયનીબેન તિવારીની સ્કૂલની વિઝિટ કરવામાં આવી હતી.
જેમાં રૂખસાનાબેન ઘેલાણીની ફરિયાદ હતી કે, ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી, જે સમયે તેમના દ્વારા ધોરણ 5ની માર્કશીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ સાથે જ 25 વાલીઓ દ્વારા ફીની રસીદ આપવામાં આવી હતી. ઉપરાંત આ સ્કૂલમાં ઇકો કારમાં વિદ્યાર્થીઓને લઇ જતા ડ્રાઈવરનુ નિવેદન લેવામાં આવ્યું છે, જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 16 વર્ષની તેમજ અધિકારીની વિઝિટ સમયે ફરજ બજાવતી 17 વર્ષની દીકરીએ નિવેદન આપ્યું હતું કે, સ્કૂલ દ્વારા તેમને પગાર આપવામાં આવ્યો નથી. 25 વાલીઓ દ્વારા ગૌરી સ્કૂલના પ્રશ્નપત્રો, ફીની રસીદ અને પરિણામ મળી આવ્યા હતા.
આ સાથે જ ઓલ માઈટી સ્કૂલ અને ગ્રેસ પ્રાઇમરી સ્કૂલમાં ગૌરી સ્કૂલના વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. 9 નામવાળી 8 ખાનગી સ્કૂલો રાજકોટ કોર્પોરેશન વિસ્તારની છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં નવોદિત ગ્રાન્ટેડ સ્કૂલની ભૂમિકા ખૂબ જ મોટી હોવાનું સામે આવ્યું છે. ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલના 1 વિદ્યાર્થીનું નામ આ ગ્રાન્ટેડ સ્કૂલમાં નોંધાયેલું હોવાનો ભાંડાફોડ થયો હતો. આ સમગ્ર પ્રકરણ બાબતે શિક્ષણ વિભાગ તરફથી કયા-કયા પ્રકારના ગુનાઓ નોંધાઈ શકે છે તે વિગત સાથેની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા ઋઈંછ નોંધવામાં ન આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.
- Advertisement -
વિદ્યાર્થીનું એડમિશન અને અભ્યાસ બન્ને અલગ-અલગ સ્કૂલમાં
તે બાદ યુ-ડાયસ ઉપર વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ શરૂ કરવામાં આવતા અન્ય 5 સ્કૂલો મળી આવી હતી. જેમાં પાંચ વર્ષ પહેલા આ સ્કૂલોમાં થયેલા એડમિશન મળી આવ્યા હતા, જેમાં નામ શ્યામ વિદ્યાવિહાર સ્કૂલનું હતું, જેનું નામ હવે બદલીને અક્ષર સ્કૂલ થઈ ગયું છે. આ ઉપરાંત એમ. બી. પટેલ સ્કૂલમાં ગૌરી સ્કૂલનો હાઇસ્કૂલનો વિદ્યાર્થી ભણતો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ગૌરી સ્કૂલનો વિદ્યાર્થી કે જેને રામદેવ વિદ્યાલયની હોલ ટિકિટ સાથે ધો. 10 બોર્ડની પરીક્ષા આપેલી હતી અને તેમાં તે વિદ્યાર્થી નાપાસ થયો હતો. ત્યારબાદ પણ તે વિદ્યાર્થીને ગૌરી સ્કૂલમાં ભણાવવામાં આવતો હતો અને ફી ઉઘરાવવામાં આવતી હતી.
હું 2 દિવસ પહેલા જ હાજર થયો છું:PI
આ મામલે કુવાડવા પોલિસ મથકના PI રઝિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પીપળીયા ગામની ગૌરી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ મામલે અરજીના કામે તપાસ ચાલુ છે. હું 2 દિવસ પહેલા જ હાજર થયો છું. મારા પહેલાના પીઆઈ સમક્ષ અરજી આપેલી હતી. અરજીમાં અમુક વિસંગતતાઓ છે. કાયદાકીય પ્રોસિજર મુજબ પ્રક્રિયા કરી પોલિસ ફરિયાદ નોંધવામાં આવશે. આજે ફરિયાદ નોંધવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને બોલાવ્યા છે. ફરિયાદ ન નોંધવાનું કોઈ કારણ નથી.
સંડોવાયેલી સ્કૂલોના નામ
રામકૃષ્ણ વિદ્યાલય
નક્ષત્ર સ્કૂલ
નવી અક્ષર સ્કૂલ (જેનું પહેલા જૂની શ્યામ વિદ્યાવિહાર નામ હતું)
એમ. બી. પટેલ
ઑલમાઇટી
ગ્રેસ પ્રાઇમરી સ્કૂલ
નવોદિત ગ્રાન્ટેડ સ્કૂલ
રામદેવ વિદ્યાલય