ખોટાં રિપોર્ટ બનાવી PMJAY યોજનામાં કરોડો રૂપિયા ખંખેર્યા હતા
ડૉ. મશરૂને દંડ થવાથી આવા કૌભાંડો આચરતાં ડૉકટરોને બોધપાઠ મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ડો. હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલ દ્વારા આયુષ્માન યોજના અંતર્ગત નોંધાયેલા દાવાઓ માટે જરૂરી રિપોર્ટ્સમાં ખોટી રીતે મોડિફિકેશન કરવા બદલ રૂ.6,54,79,500/-નો દંડ ફટકારવામાં આવ્યો છે. ખોટા રિપોર્ટ કરીને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત સારવાર કરનાર ડો. હિરેન મશરૂની નિહિત બેબીકેરમાં ચાલતા કાળા કૌભાંડનો સૌપ્રથમ ખાસ-ખબરમાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ખાસ-ખબરના આ અહેવાલનો જબરદસ્ત પડઘો પડ્યો હતો ત્યાર બાદ ‘દિવ્યભાસ્કર’એ આ મામલે રીતસર ઝૂંબેશ આદરી હતી અને આ અહેવાલોની આરોગ્ય વિભાગે નોંધ લીધા બાદ ડો. હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
સરકાર અને તંત્ર દ્વારા બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષમાન યોજના હેઠળ સરકાર પાસેથી કરોડો રૂપિયા પડાવવાના મામલામાં રાજકોટની નિહિત બેબીકેર હોસ્પિટલ સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. આ હોસ્પિટલને આયુષમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરવામાં છે. આ સાથે જ હોસ્પિટલને 6.54 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
નોંધનીય છે કે, નિહિત બેબીકેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરૂએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી કરોડોની રકમ અયોગ્ય રીતે હાંસલ કરી હતી. તેણે સ્વસ્થ બાળકોને બિમાર બતાવ્યા હતા. આ માટે તેણે લેબ સાથે પણ સાંઠગાંઠ કરી હતી. સૌ પ્રથમ ખાસ-ખબર દ્વારા આ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ડો. હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.
શું છે સમગ્ર મામલો?
ડો હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલમાં બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્યમાન કાર્ડ યોજનાનો દુરુપયોગ કરવાનું કૌભાંડ આચરાયું હતું. ખાસ-ખબરમાં પ્રસિદ્ધ અહેવાલ બાદ શહેરના લક્ષ્મીનગરમાં આવેલા નિહિત બેબીકેર હોસ્પિટલના કારસ્તાનનો ભાંડાફોડ થયો હતો. ડોક્ટર હિરેન મશરૂ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. ડો. હિરેન મશરૂએ માત્ર 8 મહિનામાં રૂા. 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હતું તેમજ 523 દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.
મંગલમ લેબોરેટરીમાં રિપોર્ટ સાથે છેડછાડ કરાઇ
નિહિત બેબીકેર હોસ્પિટલના ડો. હિરેન મશરૂ દ્વારા નવજાત બાળકોના નોર્મલ રિપોર્ટ બદલી નાંખવામાં આવતા હતા અને બિનજરૂરી રીતે તંદુરસ્ત બાળકને પણ નાદુરસ્ત દર્શાવી હોસ્પિટલમાં દાખલ કરી રાખવામાં આવતા હતા. આ માટે બાળકોના રિપોર્ટ સેમ્પલ મંગલમ લેબોરેટરીમાં મોકલાતા હતા. મંગલમ લેબોરેટરીમાં રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવતી હતી. બાળકો સ્વસ્થ હોવા છતાં બિમાર હોવાના રિપોર્ટ બનાવી દાખલ રાખવામાં આવતા હતા. ત્યારબાદ બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.