એક દિવસના બાળકને પાપ છુપાવવા ફેંકી દેનાર સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
શહેરના મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે અક્ષર પાર્ક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં તાજા જન્મેલા આશરે એકાદ દિવસના બાળકને કોઇએ કાળા કલરની કોથળીમાં વિટાળી ફેંકી દેતાં બાળક રડતું હોઇ જાગૃત નાગરિક ત્યાંથી પસાર થતાં તેણે તુરત જ 108 બોલાવી પોલીસને પણ જાણ કરી હતી નવજાત બાળકને ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરતા તેને જમણા પગે અને બંને હાથમાં ફ્રેકચર થયાનું તબિબી તપાસમાં જાણવા મળતા બાળકની ઘરે ડિલીવરી કરવામાં આવી હોઇ જન્મ વખતે ખેંચવામાં આવ્યું હોય તેના કારણે આ ફ્રેકચર થયું હોવાની શંકા ઊપજી છે અથવા બાળકને ફેંકાતાં ઇજા થઇ હોવાની શક્યતાએ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે બી-ડિવીઝનના જમાદાર હિતેષભા જોગડાએ અજાણ્યા માતા-પિતા અથવા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ બીએનએસ કલમ 93, 117 (2), 54 મુજબ પાપ છુપાવવા નવજાત બાળકને ત્યજી દેવાના ઇરાદે અસુરક્ષીત રીતે છોડી દીધાનો ગુનો નોંધ્યો છે જેમા જણાવ્યું હતું કે રાતે બારેક વાગ્યા આસપાસ મોરબી રોડ અક્ષર પાર્કના કોમન પ્લોટમાં બાળક રડવાનો અવાજ આવતો હોય અહિ રહેતાં ચિરાગભાઇ ગોહેલ તપાસ કરવા જતાં કાળા કલરની કોથળીમાં નવજાત બાળક દેખાતાં તે ચોંકી ઉઠયા હતાં 108ને જાણ કરતાં સ્ટાફ તુરત પહોંચી ગયો હતો અને બાળકને ઝનાના હોસ્પિટલમાં ખસેડયું હતું તબીબે તપાસ કરતાં બાળકને હાથ, પગમાં ઇજા થઇ હોય નવજાતને સારવાર આપી હતી ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં બાળકને આઇસીયુમાં દાખલ કરાયું હતું કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાંથી નગ્ન હાલતમાં નવજાત બાળક મળ્યું હતું તેની નાળ કાપેલી નહોતી જમણા બાળકને બંને હાથે અને જમણા પગે ફ્રેકચર થયાનું જણાયું હતું. આ નવજાતને કોણ ત્યજી ગયું? શા માટે તરછોડયું? તેની તપાસ પોલીસે હાથ ધરી છે.