ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
કેસની વિગત મુજબ, આરોપી દામજીભાઈ દયાલજીભાઈ ડોબરીયાએ આ કામનાં ફરીયાદી બિપીન આર. પરમાર કે જે આરોપીના પુત્રના મિત્ર હોય જેથી હાલના આરોપીના પરિચયમાં આવેલ. આમ આરોપીને ધંધાના વિકાસ માટે રૂ.10,00,000/- ની જરૂરિયાત હતી જેથી હાલના ફરિયાદી પાસેથી રૂ.10,00,000/- માંગેલ જેથી મદદ કરવાના ભાવથી માંગ્યા મુજબની રકમ વગર વ્યાજે હાથ ઉછીની ફરીયાદીએ આરોપીને આપેલ. ફરિયાદીએ આપેલ રૂપિયા ની પરત માંગ કરતા આરોપીએ ફરિયાદીના નામનો રૂ.10,00,000/- નો ચેક લખી આપેલ તેમજ ફરિયાદીને વચન, વિશ્વાસ, ભરોસો અને ખાત્રી આપેલ કે ચેક વટાવતા ફરિયાદીને તેના કાયદેસરના પૈસા મળી જશે. આમ ફરિયાદીએ આરોપી પર વિશ્વાસ રાખી, આપવામાં આવેલ ચેક બેન્કમાં વટાવતા “ફંડસ્ ઈનસફિશિયન્ટ” ના શેરા સાથે પરત ફરેલ.
ત્યારબાદ ફરિયાદીએ એડવોકેટ મારફત આરોપીને લીગલ નોટિસ મોકલી ચેક મુજબની રકમ પરત કરવા જણાવેલ પરંતુ આરોપીએ કોઈજ દરકાર લીધેલ નહીં જેથી હાલના ફરિયાદીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકટ અંતર્ગત ચેક રિટર્ન નો કેસ દાખલ કરેલ. સદરહું કેસ ચાલતા આ કામનાં આરોપીએ ફરિયાદીને રૂ.3,00,000/- ચૂકવેલ અને ત્યારબાદ બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલ. આમ આરોપીને પૂરતી તક મળ્યા છતાં તેમની કાયદેસરની પરત કરવાની થતી રકમ ભરપાઈ કરેલ નહીં જેથી ફરિયાદ પક્ષની રજૂઆતો તેમજ દલીલોને ધ્યાનમાં રાખી નામદાર અદાલત દ્વારા હાલના આરોપીને દોષિત ઠરાવી એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવેલ તેમજ ચેક મુજબની બાકી રહેતી રકમ રૂ.7,00,000/- ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ધ્વનિ કે. બુદ્ધદેવ રોકાયેલ હતા.