સાઈબર માફીયાઓને રૂ.2000 થી 2500માં વેચાણ: દુબઈ બેઠા-બેઠા ચાઈનીઝ ગેંગ ભારતીયોના બેંક ખાતા ‘સાફ’ કરી નાખે છે
અજાણ્યા લોકોના નામે બનાવટી સીમકાર્ડ રેકેટમાં નવા-નવા ખુલાસા થવા લાગ્યા છે. આ પ્રકારના સીમકાર્ડ દુબઈ તથા પાકિસ્તાનના માફીયા કે સાઈબર હેકર્સોને નિકાસ થતા હોવાનું બહાર આવ્યુ છે. વડોદરા સાઈબર પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે બનાવટી સીમકાર્ડ ભારતમાં એકટીવેટ કરાવીને વિદેશ મોકલી દેવામાં આવે છે. વિદેશી મીડીયા કે હેકર ભારતમાં ચોકકસ લોકોને નિશાન બનાવીને તેના બેંક ખાતામાંથી નાણાં ઉસેટી લ્યે છે. સાઈબરક્રાઈમના એસીપી હાર્દિક માકડીયાએ કહ્યું કે આ એક સંગઠીત અને વિશાળ નેટવર્ક ધરાવતુ રેકેટ છે અને તેના સૂત્રધારનું પગેરુ મેળવવું પણ મુશ્કેલ હોય છે. થોડા દિવસો પુર્વે શકમંદને ઉઠાવાતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટી શકયો છે.
- Advertisement -
તપાસમાં એવું બહાર આવ્યું છે કે લોકલ એજન્ટ બોગસ દસ્તાવેજો અથવા ગમે તે રીતે સીમકાર્ડ જથ્થાબંધ માત્રામાં મેળવે છે. સીમકાર્ડ એકટીવેટ કરાવાયા બાદ રેકેટમાં સામેલ શખ્સ તે દુબઈ લઈ જાય છે. દરેક સીમકાર્ડ રૂા.2000થી 2500માં વેચાય છે. વચેટીયો તે ખરીદ કરીને કૌભાંડીયાઓને વેચે છે. ઓનલાઈન ફ્રોડ માટે અમુક ચાઈનીઝ ગેંગ સીમકાર્ડ ખરીદતી હોવાનું જાણમાં આવ્યું છે. આ સીમકાર્ડના આધારે દુબઈથી ચાઈનીઝ ગેંગ ઈન્સ્ટાગ્રામ પર અનેક ખાતા ખોલે છે અને જુદા-જુદા લોકોને મેસેજ કરવા લાગે છે. રોકાણ સહિતની લોભામણી સ્કીમો ઓફર કરે છે. ભારતમાં સીમકાર્ડ એકટીવેટ કરાયા હોવાથી બેંક ખાતા ખોલી શકાય છે અને તેના આધારે જ ખાતામાંથી નાણાં તફડાવી લેવાય છે. રેકેટ પકડાય અને બેંકખાતા ટ્રેસ થાય તો પણ કોઈ પરિણામ આવી શકતુ નથી. કારણ કે સીમકાર્ડ અજાણી વ્યક્તિના નામે હોય છે અને બેંક ખાતુ ખોલવા ઉપયોગમાં લેવાયેલ દસ્તાવેજો પણ બનાવટી હોય છે.
આ સંજોગોમાં તપાસ આગળ ધપી શકતી નથી. વડોદરા પોલીસે તાજેતરમાં પકડેલા શકમંદે એવી કબુલાત આપી હતી કે દુબઈમાં પાકિસ્તાની મહિલાને 50 સીમકાર્ડ વેચ્યા હતા જે પછી મહિલાએ ચાઈનીઝ ગેંગને સપ્લાય કર્યા હતા. ગેંગને ટ્રેસ કરી લેવામાં આવે તો પણ લોકેશન મેળવવુ કઠીન હોય છે અને સતાવાર રીતે ઈન્ટરપોલની મદદ લેવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે તાજેતરમાં જસદણ તથા સુરતમાંથી મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. બોગસ દસ્તાવેજોના આધારે સીમકાર્ડ વેચાણનુ નેટવર્ક પકડાયુ હતું. ટેલીકોમ વિભાગે પણ ઓપરેશનમાં સામેલ થઈને એક જ ફોટામાં જુદા-જુદા સરનામા ધરાવતા અંદાજીત 30000 સીમકાર્ડની ઓળખ મેળવી હતી અને ડીએકટીવ કર્યાનુ ઉલ્લેખનીય છે.