ભવિષ્યમાં શહેરી વિસ્તારોમાં નિર્માણ થનાર હાઈવે પ્રોજેક્ટ્સથી વાહનચાલકો પર વધુ ભારણ નહીં આવે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે પુલો, ફ્લાયઓવર અને ટનલ સહિતના બાંધકામ ધરાવતા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રાલયે 2008ના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરાતા હવે વાહનચાલકોને મોટી રાહત મળશે. અગાઉ પુલ કે ટનલનું માળખું ધરાવતા નેશનલ હાઈવે પરનો ટોલ ટેક્સ સામાન્ય હાઈવે કરતા 10 ગણો હતો જે હવે ઘટીને પાંચ ગણો થયો છે. કેન્દ્રનો આ નિર્ણય શહેરી વિસ્તારોમાં બનેલા એવા હાઈવે અથવા બાયપાસને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેનો નિર્માણ ખર્ચ ઊંચો હોય છે અને હાઈવેના ઘણાખરા ભાગ પર ફ્લાયઓવર, ટનલ, પુલ અથવા એલિવેટેડ રસ્તા સહિતનું બાંધકામ હોય છે. નેશનલ હાઈવે ઉપર જ ટોલની ગણતરી માટેની નવી ફોર્મ્યુલા જાહેર કરી છે.
- Advertisement -
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્રવર્તમાન ટોલ ગણતરીની પદ્ધતિ નેશનલ હાઈવે પર બનાવવામાં આવતા આ પ્રકારના માળખા (ફ્લાયઓવર, ટનલ, પુલ વગેરે) સાથે જોડાયેલા ઊંચા ખર્ચને સરભર કરવા માટે ઘડાઈ હતી.
કેન્દ્રીય મંત્રાલયના 2 જુલાઈ 2025ના જાહેરનામાં મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગના એક ભાગના વપરાશ માટે ફીનો દર, જેમાં માળખું અથવા માળખાઓનો સમાવેશ થાય છે, તેની ગણતરી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની લંબાઈમાં માળખું અથવા માળખાઓની લંબાઈના દસ ગણા ઉમેરીને કરાશે, જેમાં માળખું કે માળખાઓની લંબાઈને બાદ કરતાં, અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની કુલ લંબાઈના પાંચ ગણા ઉમેરીને, જે ઓછું હોય તે મુજબ ફીનો દર રહેશે. હાઈવે પરના સ્ટ્રક્ચરમાં સ્વતંત્ર પુલ, ટનલ કે ફ્લાયઓવર તથા એલિવેટેડ હાઈવેનો સમાવેશ થશે.
મંત્રાલયે નવા ટોલની ગણતરીનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે, ફક્ત સ્ટ્રક્ચર સાથેના રાષ્ટ્રીય ધોરીમાર્ગના એક ભાગની કુલ લંબાઈ 40 કિલોમીટર છે, તો તેની મિનિમમ લંબાઈ 10 ડ્ઢ 40 (સ્ટ્રક્ચરની લંબાઈના 10 ગણા) = 400 કિ.મી. અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની કુલ લંબાઈના પાંચ ગણા = 5 ડ્ઢ 40 = 200 કિ.મી. ટોલ ફીની ગણતરી ઓછી લંબાઈ પર અર્થાત 200 કિ.મી. મુજબ કરાશે નહીં કે 400 કિ.મી. ઉપર. આ કિસ્સામાં ટોલ ચાર્જ રોડની લંબાઈના અડધો અડધ (50 ટકા) જેટલો જ થશે.