સ્કૂલ વેન માટે બાર જેટલા બાળકો બેસાડવાની પરમિશન, વધારે બાળકોને બેસાડવામાં આવશે તો વેનચાલક સામે કડક કાર્યવાહી
સ્કૂલ વેન માટે બાર જેટલા બાળકો બેસાડવાની પરમિશન આપવામાં આવી છે તેનાથી વધારે બાળકોને બેસાડવામાં આવશે તો વેનચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આજથી શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ આરટીઓ તંત્ર પણ સક્રિય થયું છે.
- Advertisement -
સ્કૂલ વાહનોમાં બાળકોની બેસવાની સંખ્યામાં નિયમોમાં ફેરફાર
હવે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા સ્કૂલ વાહન પર બાજ નજર રાખવામાં આવશે. આ વખતે સ્કૂલો શરુ થાય એ પહેલા ઘણા નવા નિયમો તેમજ ફાયરસેફટી, સ્કૂલ વાહનોમાં બાળકોની બેસવાની સંખ્યામાં નિયમો જેવા અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. સ્કૂલ વેન માટે બાર જેટલા બાળકો બેસાડવાની પરમિશન આપવામાં આવી છે તેનાથી વધારે બાળકોને બેસાડવામાં આવશે તો વેનચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા મામલે નિયમ
- Advertisement -
જો ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ પર વાત કરતાં સ્કૂલ વેન ચાલક કે પછી રીક્ષા ચાલક પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
800 જેટલી સ્કૂલ વેનનું રજીસ્ટ્રેશન
આરટીઓ જે જે પટેલે જણાવ્યું કે, 800 જેટલી સ્કૂલ વેનનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. સ્કૂલ વેન માટે રજીસ્ટ્રેશન એકવાર કરાવવાનું હોય છે પરંતુ તેનું ફિટનેસ સર્ટિફિકેટ દર વર્ષે લેવાનું હોય છે.
સ્કૂલ વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી
આ ઉપરાંત નશાનું સેવન કરીને વાહન હંકારતા કોઈ વાહન ચાલક પકડાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સ્પીડ લિમિટ
આ ઉપરાંત સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેન માટે 20 કિલોમીટરની ઝડપ અને મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે સ્કૂલ બસ માટે 40ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જે માટે સ્કૂલ વેન ચાલકો પાસેથી એક બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે કે તેઓ સ્પીડમાં ગાડી નહીં હંકારે. આ મુદ્દે શાળાના તમામ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે તેમની શાળાએથી લાવવા લઈ જવાનું કામ કરતા સ્કૂલ વાહનો નિયમનું પાલન કરે છે કે નહિ તે બાળકોની સલામતીના ભાગરૂપે ચકાસવું જરૂરી છે.
સ્કૂલ વેન, રીક્ષા કે બસ સામે કેવા પ્રકારના દંડ વસૂલવામાં આવશે
વાહનનું PUC ન હોય તો 500 રૂપિયાનો દંડ,વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો 500 થી 5,000 રૂપિયા સુધીનો દંડ, વાહનનો ઇન્સ્યોરન્સ ન હોય તો 2000 રૂપિયા સુધીનો દંડ, રીક્ષા, વેન કે બસને ઓવર સ્પીડિંગમાં હંકારવામાં આવશે તો 1500, 2000 અને 4000 રૂપિયા સુધીનો દંડ, પરમિટ વગરનું વાહન ચલાવશે તો 2500 થી 10000 રૂપિયા સુધીનો દંડ, રોંગ સાઈડ વાહન ચલાવનાર વાહન ચાલક પાસેથી 1500, 3000 અને 5000 રૂપિયા સુધીનો દંડ સીટબેલ્ટ વગર વાહન ચલાવનાર વાહન ચાલક પાસેથી 500 દંડ, રોડ સેફ્ટી મુદ્દે 1000 રૂપિયાનો દંડ થશે
ટેક્સી પાસિંગનું પરમિશન
સ્કૂલવેન માટે ટેક્સી પાસિંગનું પરમિશન લીધું હોય તેવા વાહનો જ માન્ય ગણાશે,એ સિવાય પ્રાઇવેટ પાસિંગ વાળા વાહનો બાળકોને સ્કૂલેથી લાવવા-લઇ જવા માટે વાપરવા નહીં તેવી પણ ખાસ સુચના જાહેર કરવામાં આવી છે. જો આવા વાહનો પકડાય તો તેની સામે પણ દંડની કાર્યવાહી ઉપરાંત શિક્ષાત્મક પગલાની કામગીરી પણ કરવામાં આવે છે.