હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહના મોત પર ભારતથી પાકિસ્તાન સુધી પ્રદર્શન
લખનઉમાં અડધી રાત્રે 10 હજાર લોકો રસ્તા પર ઊતર્યા: કરાચીમાં પોલીસ પર પથ્થરમારો કરાયો
- Advertisement -
કાશ્મીરમાં આખરી તબકકાના મતદાન પૂર્વે જ પીડીપી અને નેશનલ કોન્ફરન્સે અલગતાવાદી મુદ્દો ચગાવ્યો
દેશવિરોધી મેદાને : લખનૌમાં શીયા મુસ્લિમ વિસ્તારમાં ત્રણ દિવસના બંધનું એલાન : ધાર્મિક સ્થળો પર કાળા ઝંડા : નસરલ્લાહની તરફેણમાં કાશ્મીરના બડગાંવમાં રેલી નીકળી : મહેબુબાએ શહીદ ગણાવ્યા : ઉમર અબ્દુલ્લાએ બોમ્બમારો બંધ કરવા ઇઝરાયલ પર દબાણ લાવવા ભારત સરકારને જણાવ્યું.
ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહના થયેલા મોતના વિરોધમાં ભારતમાં લખનૌથી છેક કાશ્મીર સુધી સીયા મુસ્લિમ સંગઠનો દ્વારા દેખાવો કરાતા અને બંધ સહિતના એલાન થતા જ ભારત સરકાર ચોંકી ઉઠી છે. હિઝબુલ્લા કમાન્ડરના મોતના પગલે એક તરફ શીયા મુસ્લિમ સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. કાશ્મીર બડગાંવમાં ગઇકાલે હિઝબુલ્લાના વડાના પોસ્ટર સાથે એક રેલીનું આયોજન થયું હતું અને તેમાં ઇઝરાયલ વિરોધી સુત્રોચ્ચાર થયા હતા.
- Advertisement -
તો બીજી તરફ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં સીયા બહુમતી વિસ્તારમાં ત્રણ દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અહીંના શીયા ધર્મસ્થાનો પર કાળા ઝંડા લહેરાવવામાં આવ્યા હતા. કાશ્મીરમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીના આખરી તબકકાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે તે પૂર્વે હિઝબુલ્લાના વડાના મોતના પગલેથી રાજયનું તંત્ર પણ ચોંકી ઉઠયુ હતું. કાશ્મીરની સાયબર પોલીસે સોશ્યલ મીડિયામાં કોઇપણ પ્રકારની પોસ્ટ મુકવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આકરા પગલાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ રાજયમાં બે પ્રાદેશિક પક્ષોએ પણ હિઝબુલ્લાના વડાના મોત બદલ આક્રોશ વ્યકત કરીને તેમનો આતંકી સાથેનો પ્રેમ પણ પ્રદર્શિત કરી દીધો છે.
રાજયમાં ચૂંટણી લડી રહેલા પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના વડા મહેબુબા મુફતીએ આતંકી સંગઠનના વડા હસન નસરલ્લાહના મોત પર શોક વ્યકત કર્યો હતો અને ગઇકાલે ચૂંટણી પ્રચાર બંધ રાખ્યો હતો તો રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ઉમર અબ્દુલાએ ઇઝરાયલના આ ઓપરેશનની આકરી ટીકા કરતા ભારત સરકારને અપીલ કરી હતી કે ઇઝરાયલ હુમલા અટકાવે તે માટે મોદી સરકારે ઇઝરાયલ પર દબાણ લાવવું જોઇએ. મહેબુબા મુફતીએ લેબનાન અને ગાઝામાં ઇઝરાયલી માર્યા ગયેલા આતંકીઓને શહીદ ગણાવ્યા હતા અને હસન નસરલ્લાહની સાથે પોતાને ઉભા રાખી દીધા છે. તેને ઇઝરાયલના બોમ્બમારાને રોકવાની માંગણી કરી હતી. મુફતીએ હસન નસરલ્લાહના મોત પર શોક વ્યકત કરતા એકસ પર પોસ્ટ પણ મૂકી હતી.
લખનૌમાં જે રીતે સીયા મુસ્લિમ વિસ્તારોમાં દેખાવો થયા તેનાથી યોગી સરકાર પણ ચોંકી ઉઠી છે અને પોલીસે તાત્કાલીક આ પ્રકારના કાળા ઝંડા દુર કરવા અને બંધના એલાન સામે આકરી કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આવતીકાલે 40 બેઠકો પર મતદાન છે તે સમયે આ ઘટનાથી તેના મતદાન પર શું અવસર થઇ શકે તે અંગે ચર્ચા શરૂ થઇ છે.