અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એક્સિઓમ-4 મિશનને મંજૂરી આપવાની સાથે ભારતવાસીઓને ખુશીના સમાચાર આપ્યા છે. આ મિશનમાં ભારતના ગ્રૂપ કેપ્ટન અને ઈસરોના અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા પાયલટની ભૂમિકા નિભાવશે.
આ મિશનમાં નાસાના પૂર્વ અંતરિક્ષયાત્રી અને એક્સિઓમ સ્પેસમાં માનવ અંતરિક્ષ ઉડાનના નિર્દેશક પૈગી વ્હિટસન, યૂરોપીય અંતરિક્ષ એજન્સી સાથે જોડાયેલા પોલેન્ડના સાલાવોસ ઉજ્નાન્સ્કી-વિસ્નીવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપૂ પણ સામેલ છે. આ અંતરિક્ષયાત્રીઓ સ્પેસએક્સ ડ્રેગન અંતરિક્ષયાનમાં અંતરિક્ષમાં પહોંચ્યા બાદ ત્યાં 14 દિવસ રોકાશે. શુભાંશુ શુક્લા અંતરિક્ષ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી બનશે. તેમની ભારતના ગગનયાન મિશન હેઠળ અંતરિક્ષયાત્રી તરીકે પસંદગી થઈ છે. તેઓ ભારતીય વાયુ સેનાનો પણ ભાગ છે. અંતરિક્ષમાં જવાની તૈયારીઓના ભાગરૂપે શુક્લા અને તેમના બેકઅપ ગ્રૂપ કેપ્ટન પ્રશાંત નાયરે નાસા, યુરોપીય અંતરિક્ષ એજન્સી અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી પાસેથી તાલીમ લીધી છે.