ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢને બે વર્ષમાં 7706 કરોડની ગ્રાન્ટ મળી. આ ગ્રાન્ટ જૂનાગઢ વિકાસ માટે ઓછી નથી. મોટી રકમ મળવા છતા પણ જૂનાગઢમાં પાયાની સુવિધાનો અભાવ છે. તેની એક માત્ર કારણ જૂનાગઢમાં કોર્પોરેશનમાં અવડત વિનાનાં અધિકરીઓ અને નપાણીયા નેતા છે. નપાણીયા તંત્ર અને નેતાઓનાં કારણે જૂનાગઢને પીવાનું પુરતું પાણી પણ મળતું નથી. ગ્રાન્ટ વેડફવા સિવાય કોઇ જ કામ નથી. તેનું જાગતુ ઉદાહરણ જૂનાગઢમાં બનાવવામાં આવેલા પાણીનાં ટાંકા છે. જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર પાણીનાં ટાંકા બનાવવામાં આવ્યાં છે. છતા પણ જૂનાગઢને પુરતું પાણી મળતું નથી. આજે પણ ઉનાળામાં જૂનાગઢનાં પ્રજા સ્વનિર્ભર પાણીનાં બોર પર આધાર રાખે છે.
- Advertisement -
ખાસ કરીને જૂનાગઢ મહાનગર પાલીકામાં ભળેલા ઝાંઝરડા ગામમાં પાણીનાં ટાંકા બનાવવામાં આવ્યાં છે. અહી 6 લાખ લીટર અને 16 લાખ લીટરની ક્ષમતાનાં બે ટાંકા છે. 6 લાખ લીટરની ક્ષમતા વાળો ટાંકો પાણી પુરવઠાની યોજનામાંથી બન્યો હતો અને 16 લાખ લીટરની ક્ષમતા વાળો ટાંકો અમૃત યોજના હેઠળ જૂનાગઢ મનપાએ બનાવ્યો છે. બન્ને ટાંકા બાજુ બાજુમાં છે. પરંતુ આ ટાંકામાંથી ઝાંઝરડા ગામને પાણી મળતું નથી. એટલું જ નહી એક ટાંકો વર્ષ 2009માં બનાવવામાં આવ્યો છે. અને એક ટાંકો તાજેતરમાં જ બન્યો છે. આ બન્ને ટાંકા ઝાંઝરડા ગામની શોભા વધારી રહ્યાં છે. અહીંથી પાણી વિતરણ કરવામાં આવતું નથી. લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે .પરંતુ બન્ને ટાંકા હાલ બીનઉપયોગી બન્યાં છે. ટાંકાની બાજુમાં પાણીનો શમ્પ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે પાણી ભરી શકાતુ નથી. બન્ને ટાંકાનો ઉપયોગ કરવામાં આવે તો અહીંનાં વિસ્તારમાંથી પાણીની સમસ્યા કાયમી માટે દુર થઇ જાય તેમ છે.
પાણી ભરવામાં આવતુ નથી, પંચાયત વખતની યોજના પર નિર્ભર
મનસુખભાઇ પટોડીયાએ કહ્યું હતું કે, ઝાંઝરડા ગામમાં પાણીનાં બે ટાંકા છે. એક વર્ષ 2009માં બન્યો હતો અને બીજો ટાંકી તાજેતરમાં બન્યો છે. બન્નેમાં પાણી ભરવામાં આવતું નથી. અહીં શમ્પ પણ બનાવવામાં આવ્યાં નથી. ઝાંઝરડા ગામ વિસ્તારને ચાર દિવસે પાણી મળે છે. હાલ ગામ પંચાયત વખતની યોજના પર આધાર રાખે છે. પંચાયત સમયનો બોર છે, તેમાંથી પાણી વિતરણ થઇ રહ્યું છે. અહીં મોટર બગડી જાય તો લાંબો સમય પાણી મળતું નથી. અહીં બનાવવામાં આવેલા ટાંકા ભરવામાં આવે તો પાણીની સમસ્યા દુર થઇ જાય છે.
ટીંબાવાડીમાં વુધ એક ટાંકાનું કામ શરૂ કરાયું
જૂનાગઢનાં ટીંબાવડી વિસ્તારમાં પાણીનો ટાંકો અને શમ્પ છે. અહીં પંચાયત વખતનો ટાંકો જર્જરીત હતો,તે દુર કરવામાં આવ્યો છે. ટીંબાવાડી વિસ્તારમાં હાલ ટાંકો હયાત છે અને સમ્પ પણ છે. પરંતુ અહીં બીજો પાણીનો ટાંકો બનાવવામાં આવી રહ્યો છે.હાલ કામનો પ્રારંભ થયો છે. ટાંકાનો પાયો ખદવામાં આવ્યો છે અને પાયો ભરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
મનપાની ચૂંટણી વખતે ટીંબાવાડીમાં પાણી આપ્યું હતું
મનપાનાં નેતાઓ પ્રજાને મુર્ખ બનાવવામાં માહીર છે. મનપાની ચૂંટણી વખતે ટીંબાવાડીની આસપાસની સોસાયટીમાં નળમાં પાણી આપવામાં આવ્યું હતું. બે દિવસ પાણી આવ્યું હતું. લોકોને થયું હવે કાયમી પાણી મળશે. પરંતુ ચૂંટણી પૂર્ણ થઇ પછીથી આજ દિન સુધી પાણીનું એક ટીપુ પણ જોવા મળ્યું નથી. મનપામાં નવા શાસનને અઢી વર્ષ થઇ ગયા છે. ચૂંટણી વખતે પાણી મળ્યાં બાદ ફરી પાણી શરૂ થયું નથી.
હાયત ટાંકાનો ઉપયોગ કેમ નહીં ?
ઝાંઝરડા અને ટીંબાવાડીમાં હાયત પાણીનાં ટાંકા છે. છતા પણ નવા બનાવવામાં આવ્યાં છે. ટીંબાવાડીમાં નવો ટાંકો બની રહ્યો છે. હયાત ટાંકાનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી ? તે સવાલ ઉભો થયો છે. તંત્ર એવું માનતું હોય કે ઓછી ક્ષમતાનાં છે તો પહેલા જેતે સંસ્થાએ ટાંકા બનાવ્યા ત્યારે જ આગામી સમયની વસ્તીને ધ્યાનમાં રાખીને વધુ ક્ષમતાનાં ટાંકા કેમ ન બનાવ્યાં ?


