2010ની સાલમાં કોરિયાનાં નેશનલ આર્કિયોલોજિસ્ટ અને પ્રોફેસર બ્યંગ મો કિમ પાંચમી વખત ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે અગાઉ ઘણી વખત અયોધ્યા અને કોરિયા વચ્ચેનાં પૌરાણિક સંબંધો અંગેની પુષ્ટિ કરતાં પુરાવાઓ ગવર્નમેન્ટ સમક્ષ રજૂ કર્યા હતાં
– પરખ ભટ્ટ
ભારતીયોને બાદ કરતાં અયોધ્યા અને શ્રીરામમાં શ્રદ્ધા ધરાવનારો સૌથી મોટો વર્ગ છે : કોરિયન લોકો! તેઓ પોતાને અયોધ્યામાં જન્મેલ રાજકુમારી ‘હીઓ હવાંગ ઓકે’નાં વંશજો માને છે. માનવામાં આવે છે કે અયોધ્યાની એ રાજકુમારી પૌરાણિક કાળનાં દૈવી પુરૂષ ‘કિમ સુરો’ને પરણવા માટે ખાસ કોરિયા આવી હતી. ‘સેમ કુક યુસ’ (અર્થ : ત્રણ રાજ્યોનો ઇતિહાસ) પ્રમાણે, કોરિયન પ્રજાતિનાં પુરાણકાળ વિશે અગિયારમી સદીમાં વિગતવાર લખવામાં આવ્યું. પૌરાણિક કથાઓ અનુસાર, કોરિયા (હાલનું પેનિનસુલા, દક્ષિણ કોરિયા)માં નવ વૃદ્ધો એક રાજ્ય પર રાજ કરતાં હતાં. પરંતુ એમાંનો એકપણ વ્યક્તિ રાજા નહીં! એમણે પોતાનાં ઇશ્વરને પ્રાર્થના કરી, જેથી એમની પ્રજાને એક પ્રજાવત્સલ રાજવી મળી શકે. પ્રાર્થનાનાં જવાબરૂપે એમને આકાશવાણી સંભળાઈ, જેમાં કોરિયન લોકોને પહાડની ટોચ પર જઈ પ્રાર્થનાગીતો ગાવા અને નૃત્ય કરવાનું ફરમાન કરવામાં આવ્યુ. પ્રજાજનો આકાશવાણીને અનુસર્યા અને આકાશમાંથી તેજસ્વી ચળકતાં પીળા રંગનો પ્રકાશ ધરતી પર પથરાઈ ગયો. સૌની આંખો અંજાઈ ગઈ. કોઇ કશું જોઇ શકવા સક્ષમ નહોતું! પ્રકાશ થોડોક આછો થયો કે તરત જમીન પર સોનાનું બોક્સ જોવા મળ્યું, જેમાં કુલ છ નાના-નાના સોનાનાં ગોળા હતાં!
નવે-નવ વૃદ્ધોએ તુરંત એને પાછું બંધ કરી, મહેલ પર લઈ આવ્યા. બીજા દિવસે સવારે એને ખોલીને જુએ છે તો છ સોનાનાં ગોળાનું સ્થાન એક નવજાત શિશુએ લઈ લીધું હતું! પૂર્ણિમાનાં દિવસે વૃદ્ધોએ એનું નામ રાખ્યું : કિમ સુરો! (કિમનો અર્થ થાય છે સોનું!) થોડા જ સમયની અંદર કિમ સુરો સમજદાર થઈ ગયો. નવ ફૂંટની ઉંચાઈ, મજબૂત શારીરિક બાંધો, તીવ્ર બુદ્ધિક્ષમતા અને દૈવી પુરૂષનો જાણે સાક્ષાત અવતાર! એણે પોતાનો મહેલ બંધાવ્યો અને સમગ્ર રાજ્યનું શાસન પોતાનાં હાથમાં લઈ લીધું. નવ વૃદ્ધોને હવે કિમ સુરોનાં લગ્નની ચિંતા થવા માંડી. એક દિવસ એમણે કિમ સુરોને પોતાની વેદના જણાવીને લગ્ન કરી લેવા જણાવ્યું પરંતુ રાજાએ તરત જ ના પાડી દીધી. કિમ સુરોનું માનવું હતું કે અગર મારું અવતરણ સ્વર્ગમાંથી થયું છે તો મારી અર્ધાંગિની પણ સ્વર્ગમાંથી જ અવતરણ પામશે, માટે વિવાહનો નિર્ણય ઇશ્વર પર છોડી દેવામાં આવે!
- Advertisement -
દિવસો ઉપર દિવસો અને ત્યારબાદ મહિનાઓ વીતી ગયા. એક દિવસ ભારતનાં ‘આયુત’ (હાલનું અયોધ્યા) રાજ્યમાંથી એક ખૂબસુરત રાજકુમારી ‘હ્વાંગ ઓકે’ કોરિયા આવી. એમનાં ભાઈ પો-ઓકે (કોરિયન નામ) સાથે તે મબલખ સોનું અને હીરાદાગીના લઈ આવી! કિમ સુરોનાં દરબારમાં આવીને તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કિમ સુરો તો હ્વાંગ ઓકેનું તેજ જોઈને આભો બની ગયો. હ્વાંગ ઓકેની સુંદરતા અને તેનો હસમુખો ચહેરો કિમ સુરોનાં દિલોદિમાગમાંથી કેમેય કરીને હટવાનું નામ નહોતો લઈ રહ્યો. તેને એ વાતનો અહેસાસ થઈ ગયો કે ઇશ્વરે હ્વાંગ ઓકેને પોતાની પાસે મોકલી છે, જેથી તેમનો જીવનસંસાર આગળ વધી શકે. નવ ફૂટનાં કિમ સુરો અને સાત ફૂટની હ્વાંગ ઓકેની જોડી જોઇને સૌ પ્રજાજનોએ તેમને ખૂબ ખૂબ આશીર્વચન પાઠવ્યા. હ્વાંગ ઓકેનાં પિતાને સપનામાં દેવતાઓએ એવું કહ્યું કે તારી પુત્રીનો જન્મ દૈવી પુરૂષને પરણવા માટે થયો છે, માટે એને કિમ સુરોની અર્ધાંગિની બનાવીને અમારું કાર્ય પૂરું કરવામાં અમારી સહાય કરો! હ્વાંગ ઓકેનું રૂપ જોઇને કિમ સુરોનાં મોંમાંથી શબ્દો સરી પડ્યા, આ જ એ સ્ત્રી છે, જેનાં વિશે મેં સ્વપ્ન જોયા હતાં. ઇશ્વરે સ્વર્ગમાંથી એને મારા માટે મોકલી છે!
લગ્ન બાદ કિમ સુરોએ એ જગ્યા પર મંદિરનું નિર્માણ કરાવ્યું જ્યાં બંને સૌપ્રથમ વખત મળ્યા હતાં. આજે પણ કોરિયાનાં ‘કિમહે’ પર રાજકુમારીની કબર સામે આ મંદિર અડીખમ ઉભેલું જોવા મળે છે! એમાં વપરાયેલા પિઝા પથ્થરોને ‘ચિંપુંગતાપ’ કહેવાય છે. માન્યતા છે કે હ્વાંગ ઓકેનાં પિયર અયોધ્યામાંથી લાવવામાં આવેલા આ ખાસ પ્રકારનાં પથ્થરોમાં એવી વિશેષ શક્તિ છે તે અત્યંત તોફાની ઘૂઘવતાં દરિયાને પણ ગણતરીની ક્ષણોમાં શાંત કરી શકે છે!
આજે કોરિયન લોકો પોતાને કિમ સુરો અને હ્વાંગ ઓકેનાં દસ પુત્રરત્નો અને બે પુત્રીરત્નોનાં વંશજો તરીકે સ્વીકારે છે. એમણે ઉભા કરેલા રાજ્યને નામ આપવામાં આવ્યું હતું : કિમ-હે-કિમ! હાલ, કુલ ત્રીજા ભાગની કોરિયન વસ્તી (લગભગ 80 લાખ નાગરિકો) પોતાને કિમ સુરોનાં 72મા વંશજ ગણાવે છે! (પરંતુ આ સંખ્યામાંથી ઉત્તર કોરિયાનાં રહેવાસીઓને બાકાત રાખવામાં આવ્યા છે.) આજનાં સમયમાં કોરિયાનાં મોટાભાગનાં પ્રમુખ અને અન્ય રાજકારણીઓ (કિમ યુ-ઓકે, કિમ દે જન્ગ, હીઓ જેઓંગ અને જોંગ પિલ કિમ વગેરે) આ જ વિસ્તારમાં જન્મ્યા અને મોટા થયા! દક્ષિણ કોરિયાનાં હયાંગ, ગિમહે, ગોન્ગમ વિસ્તારનાં નાગરિકો કિમ સુરો અને હ્વાંગ ઓકેની બ્લડ-લાઇન ધરાવે છે એવું સ્વીકારવામાં આવ્યું છે.
- Advertisement -
‘ગંગનમ સ્ટાઇલ’ સોંગ તો યાદ જ હશે!? ચિત્રવિચિત્ર અદાઓમાં ડાન્સ કરનારા પી.એસ.વાય.નું એ ગીત વિશ્વની લગભગ બે અબજ જેટલી વસ્તીનું લોકપ્રિય બની ગયું હતું. પીએસવાયની માતા (કિમ યન્ગ-હી) ગંગનમમાં પોતાનાં રેસ્ટોરા ધરાવે છે, જે પોતે પણ કિમ સુરો અને હ્વાંગ ઓકેની વંશજ છે!
કોરિયામાં બૌદ્ધ ધર્મનાં વિસ્તરણ પાછળ સમ્રાટ અશોકને શ્રેય આપવો ઘટે! ‘સેમ કુક યુસ’માં અપાયેલા ઐતિહાસિક પુરાવાઓ (રેકોર્ડ ઓફ અ જર્ની ટુ ધ ફાઇવ ઇન્ડિયન કિંગ્ડમ)ને ધ્યાનમાં લઈએ તો સમજાય કે, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને દેશ-વિદેશમાં ફેલાવવા માટે ખાસ્સી જહેમત ઉઠાવી હતી. લગભગ 30,000 પાઉન્ડ સોનું અને 57,000 પાઉન્ડ જેટલું પીળું લોખંડ કોરિયાનાં રાજા ચિન્હન્ગને મોકલ્યું હતું, જેમાંથી ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવી શકાય! આ એ સમય હતો જ્યારે કોરિયામાં બુદ્ધિઝમ નવુસવુ વિસ્તર્યુ હતું. શાંતિ અને અહિંસાનો સંદેશો ફેલાવવા માટે સમ્રાટ અશોકે કોરિયામાં ઘણા બૌદ્ધ સાધુને મોકલ્યા. પરિણામસ્વરૂપ, કોરિયાની ડિક્શનરીનાં શબ્દોમાં સંસ્કૃત શબ્દો (નર્ક, સ્તુપ, બ્રહ્મા, ઇન્દ્ર, નિદાન વગેરે)નું હોવું સામાન્ય છે! ભૂતપૂર્વ કોરિયન એમ્બેસેડર પાર્થસારથિએ ત્યાંના બૌદ્ધ સાધુ જન્ગ્યુહસ્વાંગ સાથે વાતચીત કરી એ દરમિયાન તેમણે જણાવ્યું કે ભગવાન બુદ્ધનાં અવસાન બાદ બૌદ્ધગયા (અયોધ્યા)માંથી કોરિયા સુધીનો પ્રવાસ ખેડનાર રાજકુમારી હ્વાંગ ઓકેનાં કારણે જ ત્યાં બૌદ્ધધર્મનો પ્રસાર-પ્રચાર શક્ય બન્યો હતો. અને ત્યારબાદ મૌર્યકાળમાં સમ્રાટ અશોકનાં પ્રયાસો થકી તેને ફેલાવો મળ્યો!
કોરિયન વૈજ્ઞાનિકોએ ત્યાંની પૌરાણિક ગાથા પર જે રીસર્ચ હાથ ધર્યો, એમાં સામે આવ્યું કે ભારતની રાજકુમારીનાં દક્ષિણ કોરિયાનાં રાજકુમાર સાથેનાં વિવાહની વાત સો ટકા સાચી છે! ગિમ-હેનાં મકબરામાંથી લેવામાં આવેલા ડીએનએ નમૂનાની જાંચ બાદ આ હકીકત પરથી પડદો ઉઠ્યો. જાંચ દરમિયાન જે ડીએનએ સેમ્પલ મળ્યા એ ભારતનાં રાજવી ખાનદાનનાં હોવાનું માલુમ પડ્યું,
આથી આજે પણ કિમ-હે પ્રદેશનાં લોકો અન્ય કોરિયન પ્રજાતિની સરખામણીએ પ્રમાણમાં વધુ સુંદર અને બુદ્ધિશાળી હોય છે! તદુપરાંત, જાપાન અને ચીનથી આવેલા કોરિયન લોકોની તુલનામાં તેમનું નાક ઘણું ઓછું ચપટું જોવા મળે છે.
‘સેમ કુક યુસ’ પુસ્તકમાં અપાયેલા વર્ણન અનુસાર, રાજકુમારી હીઓ હ્વાંગ ઓકે જ્યારે અયોધ્યાથી કોરિયા આવી એ વખતે પોતાની સાથે એક પથ્થર લાવી હતી જેનામાં અશાંત જળને શાંત કરી શકવાની ચમત્કારિક પ્રકૃતિ મૌજૂદ હતી! આજની તારીખે આવા પથ્થરો અયોધ્યા અને કોરિયા સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતાં એ સત્ય છે. રામસેતુ-નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થરો એ આનું જ ઉદાહરણ છે! આ સિવાય અયોધ્યા સાથે પોતાનાં કેવા પ્રકારનાં સંબંધો હતાં એ જાણવા માટે કિમ-હે પ્રદેશનાં લોકોએ ખાસ્સું રીસર્ચ-વર્ક હાથ ધર્યુ, જેમાં સાબિત થયું કે કાયા રાજ્ય (કિમ સુરોનું પોતાનું રાજ્ય)નું પ્રતિક અને અયોધ્યાનાં રાજવી પરિવારનું (બે માછલી એકબીજાને ચુંબન આપી રહી હોય એવા પ્રકારનું) ચિહ્ન એ બંને દેખાવમાં તદ્દન એકસરખા છે!
2010ની સાલમાં કોરિયાનાં નેશનલ આર્કિયોલોજિસ્ટ અને પ્રોફેસર બ્યંગ મો કિમ પાંચમી વખત ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે અગાઉ ઘણી વખત અયોધ્યા અને કોરિયા વચ્ચેનાં પૌરાણિક સંબંધો અંગેની પુષ્ટિ કરતાં પુરાવાઓ ગવર્નમેન્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. આજ વખતે તેમણે ‘અયોધ્યા શોધ સંસ્થાન’માં અમુક ખાસ પ્રકારનાં સબૂત આપ્યા, જેના પરથી સાબિત થયું કે ભારત અને કોરિયા વચ્ચે આદિકાળથી સાંસ્કૃતિક સંબંધો છે! રાજકુમારી હ્વાંગ ઓકે ભારતમૂળનાં હોવાને લીધે પ્રોફેસર કિમ આજે પણ આ દેશને માતા સમાન ગણે છે. ઉત્તરપ્રદેશનાં સ્ટેટ-સિમ્બોલ એવા માછલીનાં ચિહ્નને અયોધ્યાની પ્રત્યેક જૂની-પુરાણી ઇમારતો પર જોઇ શકાય છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ જ પ્રકારનું ચિહ્ન નેપાળ, પાકિસ્તાન, ચીન, જાપાન અને કિમ-હે શહેરમાં દફન કિમ સુરોનાં મકબરા પર પણ જોવા મળ્યું! ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રોફેસર બ્યંગ મો કિમ અયોધ્યાની રાજકુમારી હ્વાંગ ઓકે કોરિયા આવી એ વખતનો રૂટ (રસ્તો) નક્કી કરી રહ્યા હતાં. ભારતમાંથી બહાર નીકળ્યા બાદ ચીન, જાપાન, નેપાળમાં એમને જે ચિહ્નો મળ્યા એ પરથી તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે અયોધ્યા અને કોરિયા એકબીજા સાથે ગાઢ સંબંધો ધરાવતું હતું એ વાતમાં રત્તીભરની પણ શંકા નથી!
2000 વર્ષો પહેલા રાજકુમારી હ્વાંગ ઓકેનાં પરિવારજનો કોણ હતાં એ વિશેનો અંદાજ કોરિયન લોકો પાસે નથી. તેમનું માનવું છે, હાલનાં અયોધ્યાનાં રાજવી પરિવાર ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા એ રાજકુમારી હ્વાંગ ઓકેનાં વંશજ છે, કારણકે એમનાં રાજપ્રતીકમાં પણ બે માછલીનું ચિહ્ન બનેલું છે! માર્ચ, 1999માં કિમ-જોંગ પિલ દ્વારા ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાને આમંત્રણ આપતો એક લખવામાં આવ્યો, જેમાં જણાવાયું કે, કિમ સુરોની 72મી પેઢીનો વંશજ હોવાને નાતે હું કિમ-જોંગ પિલ, આપને કિમ સુરોની મેમોરિયલ સેરેમનીમાં હાજર રહેવા માટે હ્રદયપૂર્વકનું આમંત્રણ પાઠવું છું!
ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા માટે આ આખી વાતને પચાવી શકવી થોડીક મુશ્કેલ હતી, કારણકે તેમને પોતાની પહેલાની દસ પેઢી વિશે જ જ્ઞાન પ્રાપ્ત હતું! એ પૂર્વે એમનાં પરિવારમાં કોણ રાજવીઓ થઈ ગયા એ વિશે દૂર દૂર સુધી કોઈને માહિતી નહોતી. સત્તરમી સદીમાં થઈ ગયેલા સદાનંદ પાઠક નામનાં જમીનદાર ભોજપુર (બિહાર)થી અયોધ્યા આવ્યા ત્યારથી જ એમનો વંશજ અહીં વસવાટ ધરાવે છે એટલી અપૂરતી માહિતી ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા પાસે હતી. એમ છતાં કોરિયન નાગરિકોની ભાવનાને ઠેંસ ન પહોંચે એ માટે એમણે સહ્રદય કિમ-જોંગ પિલનું આમંત્રણ સ્વીકાર્યુ!
મે, 2001ની સાલમાં અયોધ્યા અને કિમ-હેનાં મેયર વચ્ચે રાજકીય કરારો થયા. જેમાં અયોધ્યા શહેરને નવેસરથી નિર્માણ કરાવવા તેમજ ત્યાં રાજકુમારી હ્વાંગ ઓકેનું સ્મારક બનાવવા માટે બે અબજ ડોલરની આર્થિક સહાય ફાળવવામાં આવી! સરયુ નદીનાં કિનારે (જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાનું મનાય છે) અયોધ્યામાં જન્મેલી કોરિયન રાજકુમારીનું સ્મારક આજેપણ અડીખમ ઉભું છે. જેને બનાવવા માટે 7500 કિલો વજનની 3 મીટર ઉંચી વિશાળકાય શિલાને ખાસ દક્ષિણ કોરિયાથી મંગાવાઈ! ત્યાંના નિષ્ણાંત આર્કિટેક્ટ અને ટેક્નિશિયનની મદદ વડે ખાસ પ્રકારની કોરિયન સ્ટાઇલમાં તેનું કોતરણીકામ થયું. દર વર્ષે લાખોની સંખ્યામાં કોરિયન લોકો આ સ્થળની મુલાકાતે આવીને અહીં પોતાનું માથું ટેકવે છે!