માળીયાની વડીયા પે સેન્ટર શાળા બની પ્લાસ્ટિક મુક્ત શાળા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાની વડિયા પે સેન્ટર શાળાએ પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસોથી શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવી છે.
- Advertisement -
શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક શ્રીમતી કિંજલબેન રાઠોડએ છેલ્લા એક વર્ષથી “મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા” અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનને આચાર્ય હમીરભાઈ સિંધવ અને સમગ્ર સ્ટાફના સહયોગથી વેગ મળ્યો હતો. ધોરણ 4 થી 8 ના 70 જેટલા વિદ્યાર્થીઓએ જાગૃતિ દાખવીને કુલ 1100 જેટલી ઈકો બ્રિક્સ બોટલ (પ્લાસ્ટિક ભરેલી બોટલ) એકઠી કરીને શાળાને પોલીથીન અને પ્લાસ્ટિક મુક્ત બનાવી છે. બાળકોને પ્લાસ્ટિકના વપરાશથી થતા નુકસાન અંગે માહિતગાર કરવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવું, બાળકો જન્મદિવસ પર ચોકલેટને બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ચણ નાખે તેમજ કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે પરિવારમાં જાગૃતિ લાવવી. આ અભિયાનના ભાગરૂપે એક વર્ષના પ્રયોગમાં જોવા મળ્યું કે ફક્ત 200 બાળકોના ચોકલેટના ખર્ચમાં વાલીઓના રૂ. 40,000ની બચત થઈ હતી, સાથે જ બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો હતો. એકત્રિત કરાયેલી 1100 બોટલનો ઉપયોગ બગીચામાં કે બ્લોક બનાવી શાળામાં વિવિધ જગ્યાએ કરવામાં આવ્યો હતો. આજે શાળાના બાળકો પ્લાસ્ટિકની પાણીની બોટલ કે લંચ બોક્સ પણ લાવતા નથી. આ અભિયાનની સફળતાને ધ્યાનમાં રાખીને, તેનો સમગ્ર અહેવાલ વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે શિક્ષિકા કિંજલબેન દેવચંદભાઈ રાઠોડને “વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ” એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.



